અમદાવાદ શહેરમાંથી નશાના કારોબાર અને ડ્રગ્સના નેટવર્કને જડમૂળથી ઉખેડી ફેંકવા માટે અમદાવાદ પોલીસ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. શહેર પોલીસ દ્વારા ડ્રગ્સ નેટવર્ક સામે એક વિશાળ મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જે અંતર્ગત NDPS (નાર્કોટિક્સ)નો ગુનાહિત ઇતિહાસ ધરાવતા 800થી વધુ શખ્સોને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.
અમદાવાદમાં ડ્રગ્સના સોદાગરો પર પોલીસની તવાઈ
મળતી વિગતો અનુસાર, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG), ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ શહેરના આઠેય ઝોનની પોલીસ દ્વારા સંયુક્ત રીતે આ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઓપરેશન દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં NDPSના ગુનાઓમાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરવામાં આવી હતી અને આવા 800થી વધુ ગુનેગારોને એકત્ર કરીને રાઉન્ડઅપ કરવામાં આવ્યા હતા. પોલીસે તમામ શખ્સોને બોલાવીને ડ્રગ્સનો ગેરકાયદે ધંધો કાયમ માટે બંધ કરી દેવાની કડક સૂચના અને અંતિમ ચેતવણી આપી છે.
