અમદાવાદમાં દિલ્હીના જંતરમંતર પર થઈ રહેલા NEET પેપર લીક અંગે આંદોલનકારીઓ એકત્રિત થવાની ભીતિ અને બાતમીને પગલે અમદાવાદ પોલીસ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે.આંદોલનકારીઓ મોટી સંખ્યામાં ભેગા થવાના હોવાની ચોક્કસ માહિતી મળતાં જ ગુજરાત યુનિવર્સિટી, વિજય ચાર રસ્તા અને કોમર્સ છ રસ્તા જેવા મુખ્ય વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કોઈ પણ અપ્રિય ઘટના કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન વણસે તે માટે ઝોન 1 DCP, ACP, PI સહિત ઇન્ટેલિજન્સ બ્યુરોના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક વોચ 

CJPના વિરોધ પ્રદર્શનના અહેવાલોને પગલે સમગ્ર રાજ્યમાં ભારે સતર્કતા વર્તવામાં આવી રહી છે.વિરોધ આંદોલનની કોઈ નકારાત્મક અસર ગુજરાતમાં ન પડે તે માટે ગૃહ વિભાગ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા કડક વોચ રાખવામાં આવી રહી છે. આ અંગે રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓને તાકીદની સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે અને એલર્ટ રહેવા આદેશ અપાયા છે. તકેદારીના ભાગરૂપે રાજ્યના સંવેદનશીલ વિસ્તારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે તેમજ ભીડભાડવાળા જાહેર સ્થળો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.શાંતિ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે.

વિદ્યાર્થી આંદોલનની અસર ગુજરાત સુધી પહોંચી

દિલ્હીના જંતર-મંતર પર શરૂ થયેલા વિદ્યાર્થી આંદોલનની અસર ગુજરાત સુધી પહોંચી છે.અમદાવાદ,રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં યુવાનો વિરોધ માટે રસ્તા પર ઉતર્યા છે.વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમની સાથે અન્યાય થયો છે અને તેની જવાબદારી સરકારની છે.તેઓ પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને જવાબદારીની માંગ કરી રહ્યા છે. યુવાનોનું માનવું છે કે પ્રશ્ન માત્ર એક પરીક્ષાનો નથી,પરંતુ સમગ્ર ભરતી અને પરીક્ષા વ્યવસ્થામાં વિશ્વાસ જળવાઈ રહે તે જરૂરી છે.સરકાર ભૂલ સ્વીકારીને સિસ્ટમમાં સુધારા કરે તેવી માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચોઃ Delhi: સદનમાં નિવેદન, રાજીનામુ અને.. ધરણા પ્રદર્શન દરમિયાન જાણો કોંગ્રેસે શું કરી માગ ?