અમદાવાદ શહેરમાં નશાના કારોબાર અને ગેરકાયદે દારૂની હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ શહેરના સરદારનગર પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે નોબલનગર વિસ્તારમાં આવેલા વાલ્મીકી આવાસમાં મધરાતે મિડનાઇટ કરીને વિદેશી દારૂ અને બિયરનો મસમોટો જથ્થો ઝડપી લેવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસની આ આચનક થયેલી કાર્યવાહીથી સ્થાનિક બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વાલ્મીકી આવાસના 4 અલગ-અલગ બ્લોકમાં સપાટો
સરદારનગર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, નોબલનગર વાલ્મીકી આવાસના કેટલાક મકાનોમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે, અને ત્યાંથી તેનું નેટવર્ક ઓપરેટ થાય છે. આ બાતમીના આધારે પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આવાસના બ્લોક નં. 14, બ્લોક નં. 15/648, બ્લોક નં. 15/673 અને બ્લોક નં. 17/75 ખાતે એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ રેડ દરમિયાન પોલીસને આ મકાનોમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
કુલ 2835 નંગ બોટલો અને ટીન જપ્ત
પોલીસે ચારેય બ્લોકમાંથી ઝીણવટભરી તપાસ કરીને કુલ 2835 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન કબ્જે કર્યા છે. પકડાયેલા આ જથ્થાની બજાર કિંમત અંદાજિત રૂપિયા 8.67 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે દારૂના જથ્થા સહિત અન્ય મુદ્દામાલ પણ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સરદારનગર પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
મુખ્ય સૂત્રધાર 'બલીયો ઠાકોર' અને દિપુ સિંધી ફરાર
પોલીસ રેડ દરમિયાન આ કાળા કારોબારને ઓપરેટ કરનારા મુખ્ય આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસ ડાયરી મુજબ મુખ્ય આરોપી શ્રવણ ઉર્ફે બલાજી ઉર્ફે બલીયો ઠાકોર હાલ પોલીસ પકડથી દૂર છે. તેનો સાગરીત અને અન્ય આરોપી દિપુ સિંધી પણ ફરાર થઈ ગયો છે.
આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
સરદારનગર પોલીસે આ બંને ફરાર બુટલેગરો સામે નામજોગ ગુનો નોંધીને તેમની શોધખોળ માટે અલગ-અલગ વિસ્તારોમાં ચક્રો ગતિમાન કર્યા છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, અને અમદાવાદના કયા-કયા વિસ્તારોમાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabadમાં 295 કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ સ્પાઈન,સ્પોર્ટ્સ ઈન્જરી સેન્ટર બનશે