અમદાવાદ (Ahmedabad) શહેરમાં માળખાકીય વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના વ્યસ્ત માર્ગ પર આવેલા અને કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા ઇસ્કોન સરખેજ બ્રિજ (Iscon Sarkhej Bridge) ની ગુણવત્તા સામે હવે ગંભીર સવાલો ઉઠવા લાગ્યા છે. નવા નવા બનેલા આ બ્રિજ પર વાહન ચલાવવું હવે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યું છે, કારણ કે બ્રિજ શરૂ થયાના માંડ એક અઠવાડિયામાં જ તેના પર ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે.

રૂ. 464 કરોડના બ્રિજનું 9 નવેમ્બરે થયું હતું લોકાર્પણ

પ્રાપ્ત વિગતો અનુસાર, જનતાની સુવિધા માટે અંદાજે રૂ. 464 કરોડના મસમોટા ખર્ચે તૈયાર કરાયેલા આ ફ્લાયઓવર બ્રિજનું ગત 9 નવેમ્બરના રોજ જ ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ થયા હજુ માંડ સાત દિવસ જ થયા છે, ત્યાં તો બ્રિજના છેડાના ભાગ પાસે ડામરની સપાટી ઉખડી ગઈ છે અને ત્યાં મોટા ખાડા પડવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા જ દિવસોમાં બ્રિજની આવી દયનીય હાલત થઈ જવાથી સરકારી નાણાંના વેડફાટ અને ભ્રષ્ટાચાર સામે આંગળી ચીંધાઈ રહી છે.

રામ કુમાર કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ

આ પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય રામ કુમાર કોન્ટ્રાક્ટર (Ram Kumar Contractor) ને સોંપવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી નબળી કામગીરી (Poor Quality Work) ના કારણે વાહનચાલકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. બ્રિજ પર સ્પીડમાં દોડતા વાહનો અચાનક આ ખાડાઓમાં પટકાવવાથી ગંભીર અકસ્માતો સર્જાવાની પૂરી શક્યતા રહેલી છે. તંત્ર દ્વારા આ મામલે ત્વરિત તપાસ કરીને જવાબદાર એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

આ પણ વાંચો : Ahmedabadમાં ડ્રગ્સ માફિયાઓ સામે NCBની લાલ આંખ, સરખેજમાં મકાનના ભોંયરામાં ધમધમતી MD ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ