ગુજરાતમાં પાટણ અને સિદ્ધપુરમાંથી શંકાસ્પદ આતંકીઓ પાસેથી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનું મોડ્યુલ ઝડપાતાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યમાં શંકાસ્પદ મદરેસાઓમાં ગુજરાત પોલીસ અને SOGએ તપાસ તેજ કરી દીધી છે. અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. દેશભરની સુરક્ષા અને તપાસ એજન્સીઓ આ કેસની તપાસમાં જોડાઈ ગઈ છે. હાલમાં ગુજરાતમાંથી પકડાયેલા આરોપીઓની તપાસ અને સઘન પૂછપરછ ચાલુ કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં પોલીસને તપાસમાં લગાડી દેવાઈ છે. 

ફોનમાંથી મળેલા ડેટાની ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ

ગુજરાત પોલીસ દ્વારા આરોપીઓના મોબાઈલ ફોનમાંથી મળેલા ડેટાની ફોરેન્સિક તપાસ શરૂ કરાઈ છે. અમદાવાદથી ઝડપાયેલા શંકાસ્પદ આતંકીના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ શરૂ કરાઈ છે. ભરૂચ, અંકલેશ્વર, સુરત, મોડાસા, પાટણ, પાલનપુર, કલોલ અને અમદાવાદ સુધીના કનેક્શનની તપાસ શરૂ કરાઈ છે. સોશિયલ મીડિયા મારફતે કથિત રીતે દેશ વિરોધી વિચારધારા ફેલાવવાનો પ્રયાસ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. મૌલાના મસુદ અઝહરના વીડિયો મોકલી યુવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા હોવાની પણ તપાસ શરૂ કરાઈ છે. 

તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતાઓ

પોલીસે ગુજરાતમાં પાકિસ્તાની આતંકવાદીઓ સાથે કોણ સંપર્કમાં છે તેની પણ સઘન તપાસ શરૂ કરાઈ છે. બોમ્બ બનાવવાની પ્રેક્ટીસ અને ટેસ્ટિંગ કર્યાની માહિતી અંગેની પણ તપાસ કરાશે. કાશ્મીરમાં હથિયાર ચલાવવાની તાલીમ પણ લીધી હોવાની પોલીસને જાણકારી મળી છે. પકડાયેલા શંકાસ્પદ આતંકીઓ જે મદરેસાઓમાં રહેતા હતાં ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પોલીસની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. 


આ પણ વાંચોઃ Valsad Rain Update: સાર્વત્રિક વરસાદથી મુખ્ય અંડરપાસ પાણીમાં ગરકાવ, 40 ગામોનો સંપર્ક પ્રભાવિત