વલસાડ જિલ્લાભરમાં સોમવારની વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે, અને તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે શરુ થયેલા વરસાદે છેલ્લા 1 કલાકથી અત્યંત રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ધોધમાર વરસાદના કારણે સમગ્ર વલસાડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચોમેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

મુખ્ય અંડરપાસમાં પાણી ભરાતાં વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ

વરસાદનું જોર વધતાં જ વલસાડ શહેરના મુખ્ય અંડરપાસમાં મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયા છે. અંડરપાસ જળમગ્ન બની જતાં ત્યાંથી પસાર થતો વાહનવ્યવહાર સંપૂર્ણપણે થપ્પ થઈ ગયો છે. રસ્તા પર પાણી ફરી વળતા વાહનચાલકો અટવાઈ પડ્યા છે, અને સુરક્ષાના ભાગરૂપે અંડરપાસમાંથી અવરજવર બંધ કરી દેવામાં આવી છે.

Valsad Rain Update: Underpass Waterlogged, Traffic Disrupted in 40 Villages

40 ગામો સંપર્કવિહોણા થવાની સ્થિતિ

આ અંડરપાસ વલસાડ શહેરને આસપાસના 40 જેટલાં ગામો સાથે જોડતો મુખ્ય માર્ગ છે. અંડરપાસમાં પાણી ભરાઈ જવાના કારણે 40 ગામોના રહીશો અને વાહનચાલકોની મુશ્કેલીમાં મોટો વધારો થયો છે. મુખ્ય રસ્તો બંધ થઈ જતાં સ્થાનિકોને હવે પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવા માટે 10 કિલોમીટરનો લાંબો ચકરાવો કાપવાની ફરજ પડી રહી છે.

https://twitter.com/sandeshnews/status/2079100477690814538

છેલ્લા એક કલાકથી વરસાદે પકડ્યું ભયાનક જોર

વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો, પરંતુ છેલ્લા 1 કલાકથી વરસાદે વિરામ લીધા વિના ધોધમાર વરસવાનું શરૂ કર્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાઓને જોતાં સ્થાનિક તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. અનરાધાર વરસાદના કારણે નોકરી-ધંધે જતાં લોકો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.


આ પણ વાંચો - Valsad જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ VIDEO