અમદાવાદના પોશ વિસ્તાર સાયન્સસિટીમાં પહેલી એપ્રિલથી 31મી ઓગસ્ટ સુધીના સમયગાળામાં વર્ષ 2025 કરતાં વર્ષ 2026માં 4 હજાર દસ્તાવેજો વધુ થયા છે. છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં રજિસ્ટર્ડ ધરાવતી સોલા અને બોપલ સબરજિસ્ટ્રાર કચેરીઓમાં વર્ષ 2026માં આશરે 26 હજાર દસ્તાવેજો નોંધાયા છે, જેની સામે વર્ષ 2025માં 22 હજાર દસ્તાવેજ રજિસ્ટર્ડ થયા હતા. આ સિવાય રિડેવલપમેન્ટના કારણે પાલડી, વાસણા અને નારણપુરા સહિત પૂર્વના અમરાઈવાડી, ઈસનપુર અને મણિનગર સહિતના વિસ્તારોમાં રિયલ એસ્ટેટનો વિકાસ વેગવંતો બન્યો છે. 

વર્ષ 2026માં 185111 યુનિટ નોંધાયા

અમદાવાદમાં છેલ્લા પાંચ મહિનાના સમયગાળામાં વર્ષ 2025માં 156326ની સામે વર્ષ 2026માં 185111 યુનિટ નોંધાયા છે. જેથી કુલ 28785 યુનિટનો વધારો થયો છે. શહેરની સાબરમતી, અમરાઈવાડી, પાલડી, નરોડા અને અસલાલી કચેરીઓમાં પાંચ મહિનામાં 9 હજારથી વધુ દસ્તાવેજો નોંધાયા છે. ડેવલપર્સ એસોસિએશનના હોદ્દેદારોએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે, હાલ માર્કેટ પર ગંભીર અસર છે, જેમાં સરકાર તરફથી સુધારો જરૂરી છે. નવા પ્રોજેક્ટમાં 8 થી 9 મહિનાનો સમય તો માત્ર પ્લાન પાસ કરાવવામાં અને રેરા (RERA) રજિસ્ટ્રેશનમાં જ નીકળી જાય છે. આ સમયગાળો ઘટે તો કન્સ્ટ્રક્શન ખર્ચ પર સીધી સાનુકૂળ અસર થઈ શકે છે અને ડેવલપર્સને રો-મટિરિયલ્સના વધતા ભાવ સામે રાહત પણ મળી શકે છે.

નવ હજારથી વધુ નોંધાયેલા દસ્તાવેજ

અમદાવાદ

આગામી દિવસોમાં સાનુકૂળ ફેરફારો થઈ શકે છે

રિયલ એસ્ટેટનું માર્કેટ સ્થિર હોવાનું જણાવતાં ક્રેડાઈ ગાંધીનગરના પ્રમુખ આલાપ મોદીએ કહ્યું કે, હાલ પ્રોપર્ટી મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ યુદ્ધ અને વૈશ્વિક પરિસ્થિતિ છે. જેને લીધે રિયલ એસ્ટેટના કાચા માલના ભાવ વધતાં પ્રોપર્ટીના ભાવમાં સરેરાશ 12 ટકા સુધીનો વધારો થયો છે. હાલ વિવિધ પ્રોજેક્ટસમાં ડેવલપર્સ નોમિનલ પ્રોફિટથી કામ કરે છે. ભારતમાં સૌથી ઓછો પ્રોફિટથી કામ કરનારા ડેવલપર્સની યાદીમાં અમદાવાદનો સમાવેશ થઈ શકે છે. નીતિવિષયક કેટલાક સુધારાજરૂરી છે અને સરકાર પણ હકારાત્મક હોવાથી આગામી દિવસોમાં સાનુકૂળ ફેરફારો થઈ શકે છે.


આ પણ વાંચોઃ Rajkot News : સાયબર ગઠિયાઓએ મોડી રાત્રે ફોન કરી વૃદ્ધ દંપતીને ડિજિટલ એરેસ્ટ કર્યું, 2 કરોડના ફ્રોડની ધમકી આપી