અમદાવાદ શહેરમાં સીજી રોડ, એસજી હાઇવે બાદ હવે પૂર્વ વિસ્તારના જાહેર માર્ગો પર પણ નબીરાઓ અને બેફામ વાહન ચલાવનારાઓનો આતંક વધી રહ્યો છે. મોડી રાત્રે પૂર્વ અમદાવાદને જોડતા રબારી કોલોની ચાર રસ્તા પાસે રફતારનો કહેર જોવા મળ્યો હતો. એક અજાણ્યો કાર ચાલક પોતાની વૈભવી કાર લઈને સખત સ્પીડમાં પસાર થઈ રહ્યો હતો. રબારી કોલોની ચાર રસ્તા નજીક ટર્નિંગ પર અથવા સ્પીડ કંટ્રોલ ન થવાના કારણે કાર સીધી જ રોડની વચ્ચે આવેલા BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) ના પ્રોટેક્શન ટ્રેકની લોખંડની મજબૂત રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી.


રેલિંગ તોડીને કાર અંદર ઘૂસી ગઈ

અકસ્માત એટલો જોરદાર હતો કે લોખંડના જાડા એંગલ અને રેલિંગના કટકા થઈ ગયા હતા અને કારનો આગળનો બોનેટનો ભાગ સંપૂર્ણપણે રેલિંગની અંદર ખૂંપી ગયો હતો. રાત્રિનો સમય હોવાથી અને સામાન્ય રીતે તે સમયે BRTS બસો બંધ હોવાથી ટ્રેકની અંદર કોઈ અન્ય વાહન કે બસ નહોતી, જેથી મોટી હોનારત ટળી હતી. ધડાકો સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા.

કોઈ જાનહાનિ નહીં, કાનૂની કાર્યવાહી શરૂ

આ ભયાનક અકસ્માતમાં કારના એન્જિન અને આગળના વ્હીલના ભાગને ભારે નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે કાર ચાલક સુરક્ષિત રીતે બહાર નીકળી આવ્યો હતો. તેનો આબાદ બચાવ થતાં સ્થાનિક નાગરિકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક રબારી કોલોની ચાર રસ્તા પર પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતને કારણે ખોરવાયેલા ટ્રાફિકને હળવો કરવા ક્રેન મંગાવીને કારને ટ્રેકમાંથી બહાર કાઢી પોલીસ સ્ટેશને ખસેડી હતી. પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ અકસ્માતનો ગુનો નોંધીને ચાલકની પૂછપરછ અને સીસીટીવી (CCTV) ફૂટેજ મેળવવાની કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો: Surat: ગુજરાત પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ હેઠળ પ્રથમ 14 દિવસમાં જ 84 બાળમજૂરો મુક્ત, 26 શોષણખોરો સામે ગુનો દાખલ


  • Follow us on: