ગુજરાતના મુખ્ય ઔદ્યોગિક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તી મજૂરી મેળવવાની લાલચે માસૂમ બાળકોના બાળપણને કચડી નાખનારા તત્વો સામે ગુજરાત પોલીસે યુદ્ધના ધોરણે મોરચો માંડ્યો છે. કારખાનાઓ, હોટેલો, રાઇસ મિલો અને નાના ઉદ્યોગોમાં બાળકોનું થતું આર્થિક અને માનસિક શોષણ અટકાવવા માટે ‘ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ’ શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને માત્ર મજૂરીમાંથી છોડાવવા પૂરતો નથી, પરંતુ તેમને શિક્ષણ આપીને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે.


સુરતના જય અંબે ટેક્સટાઇલ્સમાં દરોડો અને ક્રૂરતાનો પર્દાફાશ

આ અભિયાન અંતર્ગત સુરત શહેરના કામરેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ એક સચોટ બાતમીના આધારે ‘જય અંબે ટેક્સટાઇલ્સ’ નામના કારખાનામાં આકસ્મિક દરોડો પાડ્યો હતો. પોલીસે ત્યાંથી ભારે શોષણનો ભોગ બની રહેલા બે માસૂમ બાળકોને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં જે વિગતો ખુલી તે કાળજું કંપાવી દે તેવી હતી. કારખાનાનો માલિક આ બાળકો પાસે સવારે 8:00 વાગ્યાથી લઈને રાત્રે 7:00 વાગ્યા સુધી (સતત 11 કલાક) દબાણપૂર્વક કામ કરાવતો હતો અને આખા દિવસમાં માત્ર 1 કલાકનો જ જમવાનો વિરામ આપતો હતો. આ ભયાનક શારીરિક અને માનસિક શોષણ સામે બાળકોને રોજના માત્ર 200 જેટલું નજીવું વેતન અપાતું હતું અને જો બાળકો કામ કરવાની ના પાડે તો તેમની સાથે બળજબરી અને મારપીટ કરવામાં આવતી હતી. પોલીસે આ માલિક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ચાઇલ્ડ ટ્રાફિકિંગના એન્ગલથી તપાસ અને આંતરરાજ્ય કનેક્શન

ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID મહિલા સેલ) ના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) અજય ચૌધરીએ આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, રેસ્ક્યૂ કરાયેલા મોટાભાગના બાળકોને બિહાર અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત લાવવામાં આવ્યા છે. આથી, પોલીસ માત્ર ફેક્ટરી માલિકો સામે જ નહીં, પરંતુ આ બાળકોને ગેરકાયદેસર રીતે બોર્ડર પાર કરાવી મજૂરીમાં ધકેલતા એજન્ટો, કોન્ટ્રાક્ટરો અને સમગ્ર ચાઇલ્ડ ટ્રાફિકિંગ (બાળ તસ્કરી) ના નેટવર્ક અને સપ્લાય ચેઇનને તોડી પાડવા માટે સેન્ટ્રલ એજન્સીઓ સાથે મળીને કામ કરી રહી છે. પ્રાથમિક વિશ્લેષણમાં બહાર આવ્યું છે કે ગરીબી, અજ્ઞાનતા અને પરિવારોનું સ્થળાંતર આ બાળમજૂરી પાછળના મુખ્ય કારણો છે.

પોલીસ વડા (DGP) નો મહત્વનો વહીવટી સંકલ્પ

રાજ્ય પોલીસ વડા (DGP) જી. એસ. મલિકે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “અમારું આ અભિયાન માત્ર રેડ પાડીને આંકડા બતાવવા પૂરતું સીમિત નથી. અમે મુક્ત કરાયેલા બાળકોનું શ્રમ વિભાગ, બાળ કલ્યાણ સમિતિ (CWC), સ્વૈચ્છિક સંસ્થાઓ (NGOs) અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકલન કરીને યોગ્ય પુનર્વસન કરાવી રહ્યા છીએ.” અત્યાર સુધીમાં 67 બાળકોને નવી જિંદગી આપી સ્કૂલમાં ભણતા કરાયા છે. આગામી દિવસોમાં ગુજરાત પોલીસ રાજ્યભરમાં 50,000 થી વધુ સંભવિત સ્થળોએ સર્ચ ઓપરેશન ચલાવવાની છે અને 5,000 થી વધુ બાળકોને મુક્ત કરાવીને તેમને કલમ પકડાવવાનું ભગીરથ લક્ષ્ય ધરાવે છે.

આ પણ વાંચો: Surat: કામરેજના નવાગામમાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલમાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ, તેલ અને ક્રીમનો જથ્થો સીલ

  • Follow us on: