સુરત શહેરમાંથી અવારનવાર નકલી મસાલા, કેમિકલયુક્ત પનીર અને નકલી ઘી પકડાવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હવે સુરત ગ્રામ્યના કામરેજ પંથકમાં પણ નકલી ખાદ્યપદાર્થો બનાવતી ફેક્ટરી સક્રિય થઈ હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. કામરેજના નવાગામ વિસ્તારમાં આવેલી શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 7 માં શંકાસ્પદ મિલાવટી ઘીનું મોટું પ્રોડક્શન થતું હોવાની ગુપ્ત માહિતી કામરેજ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે ઓચિંતો દરોડો પાડતા ફેક્ટરીની અંદર મિલાવટખોરીનો લાઈવ ખેલ જોવા મળ્યો હતો.
રિફાઇન્ડ ઓઇલ અને ક્રીમનું જોખમી મિશ્રણ
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ફેક્ટરી માત્ર છેલ્લા 15 દિવસથી જ શરૂ કરવામાં આવી હતી. કોઈને શંકા ન જાય તે માટે ઔદ્યોગિક વિસ્તારના એક બંધ શેડ જેવા પ્લોટમાં આ આખી લાઇન ગોઠવવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી ઘી બનાવવા માટે આડકતરી રીતે વપરાતું અત્યંત શંકાસ્પદ 140 કિલો ક્રીમ અને બજારમાં મળતા સસ્તા રિફાઇન્ડ ઓઇલના 15 જેટલા મોટા ડબ્બાઓ મળી આવ્યા હતા. આરોગ્ય નિષ્ણાતોના મતે, હલકી ગુણવત્તાના તેલ અને ક્રીમમાં ચોક્કસ પ્રકારના એસેન્સ અને કેમિકલ ભેળવીને આબેહૂબ અસલી ઘી જેવી સુગંધ અને ટેક્સચરવાળું બટર કે ઘી તૈયાર કરવામાં આવી રહ્યું હતું.










