રાજકોટ જિલ્લામાં યુવાધનને નશાના રવાડે ચડાવતા ડ્રગ્સ માફિયાઓ અને પેડલરો સામે એક્શન મોડમાં આવેલી એસઓજી (SOG) ની ટીમને ધોરાજી પંથકમાંથી એક મહત્વની સફળતા સાંપડી છે. લાંબા સમયથી ધોરાજીના અમુક ચોક્કસ વિસ્તારોમાં સિન્થેટિક કેમિકલ ડ્રગ્સ એટલે કે મેફેડ્રોન (MD) નું ગેરકાયદેસર વેચાણ થઈ રહ્યું હોવાની બાતમી પોલીસને મળી રહી હતી. આ નશાના નેટવર્કને તોડી પાડવા માટે એસઓજીની ટીમે ધોરાજી શહેરના સ્થાનિક નેટવર્ક પર વોચ ગોઠવી હતી.
ગુલઝાર પાર્કમાં ઘેરાબંધી અને સફળ ઓપરેશન
દરમિયાન, SOG ની ટીમને સચોટ બાતમી મળી હતી કે ધોરાજીના બહારપુરા, રબાની કોલોનીની પાછળ આવેલા ગુલઝાર પાર્ક વિસ્તારમાં રહેતો મકસુદ હારૂનશાહ શાહમદાર નામનો શખ્સ પોતાના કબજામાં વેચાણ અર્થે એમડી ડ્રગ્સનો જથ્થો રાખીને ફરી રહ્યો છે. આ બાતમીના આધારે એસઓજીની ટીમે ગુલઝાર પાર્ક વિસ્તારમાં આકસ્મિક રેડ પાડીને મકસુદ શાહમદારને કોર્ડન કરીને ઝડપી લીધો હતો. પોલીસ ટીમે જ્યારે તેની કાયદેસરની તલાશી લીધી, ત્યારે તેની પાસેથી નાની પ્લાસ્ટિકની ઝિપર બેગમાંથી 3.730 ગ્રામ જેટલો અત્યંત ઘાતક મનાતો મેકેડરોન (MD) માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.










