અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાઈ પટ્ટી પર આવેલા ખેરા ગામમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી. મળતી વિગતો મુજબ, ગામમાં એક પ્રેમસંબંધના મામલે ભારે વિવાદ ચાલતો હતો. આ બાબતની અદાવત રાખીને યુવતીના પરિવારજનો અને તેમના સાગરીતોએ પ્રેમ લગ્ન કે પ્રેમસંબંધ રાખનાર યુવકના પિતા દેવશીભાઇ ગુજરીયાનું મોડી રાત્રે સરાજાહેર અપહરણ કરી લીધું હતું. આરોપીઓ દેવશીભાઇને ખેરા ગામના એક અવાવરૂ સ્થળે લઈ જઈને બેરહેમીથી ઢોર માર મારી રહ્યા હોવાની બાતમી પીપાવાવ મરીન પોલીસને મળી હતી.
પોલીસ બચાવવા ગઈ ને પોતે જ ભોગ બની
બાતમી મળતાની સાથે જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે. ડી. હડિયા, કોન્સ્ટેબલ ચંપુભાઈ પોપટ, અક્ષયભાઈ મોરી અને મગનભાઈ ધાપા સહિતનો કાફલો ખાનગી અને સત્તાવાર વાહનો લઈને તાત્કાલિક ખેરા ગામે પહોંચ્યો હતો. પોલીસ ટીમે જ્યારે આરોપીઓના સકંજામાંથી યુવકના પિતા દેવશીભાઇને છોડાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે ઉશ્કેરાયેલા અસામાજિક તત્વો અને યુવતીના પક્ષના લોકોએ પોલીસ ટીમ પર જ ઘાતક હુમલો કરી દીધો હતો. આરોપીઓએ લાકડીઓ અને જે હાથમાં આવ્યું તે હથિયારો વડે પોલીસ સ્ટાફને ટાર્ગેટ કર્યો હતો.
અપહરણનો ભોગ બનનારને શરીરે ગંભીર ઇજાઓ
આ હિંસક ઝપાઝપીમાં પીએસઆઈ કે. ડી. હડિયા સહિત ત્રણેય પોલીસ જવાનો અને અપહરણનો ભોગ બનનાર દેવશીભાઇ ગુજરીયાને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાના પગલે વધારાની પોલીસ ફોર્સ બોલાવવાની ફરજ પડી હતી. તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ઉચ્ચ અધિકારીઓ મેદાને, ગુનો દાખલ
પોલીસ પર હુમલાની આ ગંભીર ઘટનાની જાણ થતાં જ અમરેલી જિલ્લા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. DySP નયના ગોરડીયા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ની ટીમો રાત્રે જ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા અને નામજોગ ઇસમો સામે સરકારી કર્મચારી પર હુમલો કરવો, સત્તાવાર ફરજમાં રુકાવટ ઊભી કરવી તેમજ અપહરણ અને રાયોટિંગ સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી લીધો છે. DySP ના માર્ગદર્શન હેઠળ LCB ની ટીમોએ આરોપીઓને પકડી પાડવા માટે ખેરા ગામ અને આસપાસના કોસ્ટલ બેલ્ટમાં રાઉન્ડ ધ ક્લોક કોમ્બિંગ અને દરોડાની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: C.G. રોડ પર શરૂ થયું શહેરનું પહેલું પેડેસ્ટ્રિયન ટ્રાફિક સિગ્નલ, બટન દબાવો અને સુરક્ષિત રોડ ક્રોસ કરો