અમદાવાદ રેલવે સ્ટેશન પર 'ઓપરેશન રેલ પ્રહરી' હેઠળ ચેકિંગ હાથ ધરી રહેલી RPF ની ટીમને જોધપુરથી બે સગીરાઓ ગુમ થઈ હોવાની અને તેઓ અમદાવાદ તરફ આવી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે RPF ની ટીમે ટ્રેન નંબર 20693 એક્સપ્રેસમાં સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી.
એક સગીરા શંકાસ્પદ હાલતમાં મળી
સગીરાની સાથે રહેલા યુવકે પોલીસને જોઈને ભાગવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો, પરંતુ RPF ના સતર્ક જવાનોએ તેને ત્વરિત દબોચી લીધો હતો. પકડાતી વખતે પોતાની પોલ ન ખૂલે તે માટે આરોપીએ પોતાનો મોબાઈલ ફોન ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો હતો. જોકે, પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આણંદ ખાતેથી તે મોબાઈલ રિકવર કરી લીધો હતો. આણંદથી રિકવર કરાયેલા મોબાઈલમાંથી મળેલા ડેટા અને કૉલ ડિટેલ્સના આધારે RPF ને બીજા આરોપીનું ચોક્કસ લોકેશન મળી ગયું હતું. આ લોકેશન અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૧ પર મળતાં જ ટીમે તાત્કાલિક ઘેરાબંધી કરી બીજી સગીરા સાથે રહેલા બીજા આરોપીને પણ ઝડપી પાડ્યો હતો.
