રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ-અછતની સ્થિતિ જાહેર કરવાની માગ ઉઠવી શરૂ થઈ ચૂકી છે.રાજ્ય સરકાર ધારે તો 2016માં કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા દુષ્કાળ મેન્યુઅલ મુજબ નિયત નિયમો અનુસરીને ગમે ત્યારે દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર કરી શકે છે.અગાઉ દુષ્કાળ કે અછતની સ્થિતિ નક્કી કરવા માટે આનાવારીથી ઉપજનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ લાગુ થતી હતી.એ વખતે 30 સપ્ટેમ્બરે વિધિવત્ ચોમાસું પૂરું થવાની રાહ જોવી પડતી હતી અને એ પછી ઉપજનું મૂલ્યાંકન એક મહિનામાં પૂરું કરી 31મી ઓક્ટોબર પહેલાં દુષ્કાળ કે અછત જાહેર કરવાનો નિયમ હતો. 

2018માં અછતની તીવ્રતા વધુ હતી

હવે નવું દુષ્કાળ મેન્યુઅલ જે કેન્દ્રીય કૃષિ મંત્રાલયે 2016માં બહાર પાડ્યું છે અને 2018થી રાજ્ય સરકારે રાજ્યમાં તેનો અમલ શરૂ કરવાનું નક્કી કર્યું છે.તેમાં નિયત નિયમોનો અનુસરણ કરવાનું હોવાથી આનાવારીથી પાકનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ આપોઆપ રદ થઈ જાય છે.રાજ્યમાં છેલ્લા 2016ના નવા દુષ્કાળ મેન્યુઅલને અનુસરીને છેક 30મી ઓક્ટોબર, 2018ના રોજ દુષ્કાળની સ્થિતિ જાહેર કરાઈ હતી, એ વખતે રાજ્યના 51 તાલુકાઓમાં દુષ્કાળ જાહેર કરવામાં આવ્યો હતો. ટૂંકમાં સૂચક એવું કહે છે કે, અત્યારે ઓછા વરસાદની જે ગંભીરતા છે તેના કરતાં 2018માં અછતની તીવ્રતા વધુ હતી.

વનવિભાગ પાસે 402 લાખ કિલો ઘાસચારો ઉપલબ્ધ

રાજ્યમાં વનવિભાગની વાડીઓમાં 402 લાખ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે.આ ગત વર્ષનો સ્ટોક છે.વર્તમાન ખરીફ સીઝનમાં 6.29 લાખ હેક્ટરમાં ઊગી રહેલો ઘાસચારો આ જથ્થામાં ઉમેરાશે.ગત બુધવારે યોજાયેલી કૅબિનેટ તથા સીઓએમ બેઠકોમાં આ વિગતો રજૂ થઈ હતી.અધિકારીઓ તરફથી બેઠકોમાં જણાવાયું હતું કે,પશુપાલકોને તથા પાંજરાપોળો-ગૌશાળાઓને રાહતના દરે ઘાસચારાનું વિતરણ વિવિધ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ શરૂ થઈ ગયું છે અને આ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે 6 સભ્યોની સમિતિ રચી જરૂરી નિર્ણયો લેવાની સત્તા પણ 31મી ઓગસ્ટથી આપી દેવાઈ છે.પશુપાલકોને મહત્તમ પાંચ પશુ માટે પશુદીઠ દૈનિક 4 કિલો સૂકો ઘાસચારો કિલોદીઠ રૂ.2ના રાહત ભાવે અપાઈ રહ્યો છે.જ્યારે ગૌશાળા-પાંજરાપોળોને પશુદીઠ રોજના રૂ.30ના ભાવે ઘાસ અપાઈ રહ્યું છે. વનવિભાગ દ્વારા ઊભા કરાયેલા ઘાસડેપો ઉપરથી કાર્ડ કાઢી આપી ઘાસચારો રાહતદરે અપાઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

રોજ સવારમાં આકાશમાં વાદળોની ફોજ ખડકાઈ

રોજ સવારમાં આકાશમાં વાદળોની ફોજ ખડકાઈ છે.કાળા ડીબ્બાંગ વાદળો જોઈ એમ થાય કે આજે જરૂર વરસાદ વરસશે જ.પાણી વગરના વાદળો વરસ્યા વગર જતા રહે છે અને સામાન્ય લોકો નિસાસો નાખતા રહી જાય છે. હવામાન વિભાગ પણ આગાહી કરતું નથી. કેમ કે વરસાદ વરસે તેવી કોઈ સિસ્ટમ જ બંધાતી નથી. હવે મેઘરાજા ક્યારે રુસણા છોડે છે અને ક્યારે અમીદ્રષ્ટિ કરે છે તેની જન જન રાહ નિહાળી રહ્યા છે.

દુષ્કાળ જાહેર કરવાના નવા નિયમો

ટ્રીગર-વન મુજબ સતત 4 અઠવાડિયા કે તેથી વધુ સમય વરસાદ ના પડે તો તે વિસ્તારમાં દુષ્કાળ-અછત જાહેર થઈ શકે.ટ્રીગર-વન એક્ટિવેટ થયા પછી ટ્રીગર-ટૂ મુજબ જે ઓછા વરસાદવાળો વિસ્તાર હોય ત્યાં વાવેતર વિસ્તારમાં માટીમાંના ભેજનું તથા ચોડના ગ્રોથનું એસેસમેન્ટ થાય.ટ્રીગર-ટૂ હેઠળની કામગીરી પૂર્ણ થાય એ પછી ટ્રીગર-થ્રી અંતર્ગત ફિલ્ડમાં જઈને ખરાઈ થાય એટલે કે રેન્ડમલી 10 ટકા વાવણી વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સેમ્પલો મેળવી ચકાસણી થાય. આ આખરી પ્રોસેસ બાદ જે તે વિસ્તારમાં દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર થાય. અહીં નોંધવૂં રહ્યું કે 2016ના નવા મેન્યુઅલમાં અછત જેવો કોઈ શબ્દ ઉલ્લેખાયો નથી, માત્ર દુષ્કાળ તરીકે જ ઉલ્લેખ છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: આજથી શહેરમાં રિક્ષા અને ટેક્સી નહીં મળે, સામાન્ય મુસાફરોને હાલાકી વેઠવાનો વારો