મેઘરાજાએ ફરી એકવાર મન મૂકીને વરસીને અમદાવાદ શહેરને ધમરોળવાનું શરૂ કર્યું છે. આજે સાંજના સમયે અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ટૂંકા સમયમાં જ ખાબકેલા મુશળધાર વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે. અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં સરેરાશ 1.54 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

આ વિસ્તારોમાં ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

અમદાવાદ શહેરના ગોતા, ચાંદલોડિયા, રાણીપ, ચેનપુર, બોપલ, શેલા, ઇસ્કોન, સરખેજ, મકરબા અને વાસણા જેવા ભરચક રહેણાંક વિસ્તારોમાં ધોધમાર વરસાદના કારણે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. સોસાયટીઓના ગેટ અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકો અટવાયા છે. વીકેન્ડની મજા માણવા નીકળેલા અમદાવાદીઓ ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

https://twitter.com/sandeshnews/status/2073797944520950205

AMCના આધુનિક C-DAC સોફ્ટવેરની ગંભીર ચેતવણી

વરસાદની આ સ્થિતિ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે એક મહત્વપૂર્ણ એલર્ટ જાહેર કરાયું છે. AMC એ પુણેની સંસ્થા સાથે મળીને તૈયાર કરેલા અત્યંત આધુનિક સીડેક સોફ્ટવેરના મોડેલિંગ ડેટાના આધારે જણાવ્યું છે કે, આજે રાત્રે 11 વાગ્યા સુધી અમદાવાદ શહેરમાં ભારેથી અતિભારે વરસાદ ત્રાટકશે.

https://twitter.com/AmdavadAMC/status/2073776602237006223

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના જણાવ્યા મુજબ, વોર્ડ-લેવલ પર ચોક્કસ આગાહી આપતા આ સોફ્ટવેરની 85% આગાહીઓ અત્યાર સુધી સાચી સાબિત થઈ છે. આ સિસ્ટમના હાઈ-રિસ્ક એલર્ટ મુજબ, આજે રાત્રિ દરમિયાન થલતેજ, બોડકદેવ, સરખેજ, જોધપુર, વેજલપુર અને ગોતા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની સંભાવના છે. તંત્ર દ્વારા આ વિસ્તારોમાં પહેલાથી જ ડી-વોટરિંગ પંપ અને ઈમરજન્સી ટીમો તૈનાત કરી દેવામાં આવી છે અને લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા સલાહ અપાઈ છે.


આ પણ વાંચો - Ahmedabadના કૃષ્ણનગરમાં જુગારધામ પર દરોડા દરમિયાન પોલીસ ટીમ સાથે ઝપાઝપી!