રાજ્યમાં આગામી સમયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસવાની સંભાવના છે. લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાને કારણે હવામાનમાં આ બદલાવ આવ્યો છે, જેના ભાગરૂપે અમદાવાદમાં સામાન્ય વરસાદી ઝાપટાં રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતમાં પવન સાથે સારો એવો વરસાદ પડી શકે છે, જ્યાં પવનની ગતિ કલાકના ૨૦ થી ૩૦ કિલોમીટર આસપાસ રહેવાની વકી છે.
93 તાલુકાઓમાં મેઘાવી માહોલ જોવા મળ્યો
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વ્યાપક વરસાદ નોંધાયો છે, જેમાં કુલ 93 તાલુકાઓમાં મેઘાવી માહોલ જોવા મળ્યો છે. સૌથી વધુ વરસાદ જામનગરના મહુવામાં 4.13 ઇંચ નોંધાયો છે, જ્યારે ગોંડલમાં 3.62 ઇંચ અને માણાવદરમાં 2.8 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, જૂનાગઢમાં 2.36 ઇંચ, વંથલીમાં 2.05 ઇંચ, પાટણ-વેરાવળમાં 1.97 ઇંચ, ભાણવડમાં 1.93 ઇંચ, કેશોદમાં 1.81 ઇંચ અને કુંકાવાવ વાડિયામાં 1.73 ઇંચ તેમજ જસદણમાં 1.57 ઇંચ અને સુરત શહેરમાં 1.54 ઇંચ જેટલો સારો એવો વરસાદ વરસી ગયો છે.
