ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું આજે સોમવારે પ્રસિદ્ધ થશે.જાહેરનામું પ્રસિદ્ધ થતાંની સાથે જ શહેરમાં ખરા અર્થમાં ચૂંટણીનો શંખનાદ થઈ જશે અને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ જશે.ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે જ ઉમેદવારી કરવા માંગતા દાવેદારો ફોર્મ ભરી શકશે. આજથી 26 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે અને 27મીએ સ્ક્રુટિની અને 28મીએ ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિવસ છે. ત્યારબાદ જીએમસીની ચૂંટણી જંગના ખેલાયાઓનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જવા પામશે. 

ગાંધીનગરમાં ચૂંટણીની મોસમ ખીલી ઉઠશે

આ જાહેરનામાના પગલે ગાંધીનગરમાં ચૂંટણીની મોસમ ખીલી ઉઠશે.આજથી કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત ખાતેથી ઉમેદવારી ફોર્મનું વિતરણ અને સ્વીકારવાનું શરૂ થશે.જેમાં વોર્ડ-1થી 4ના ફોર્મ જિલ્લા પંચાયત કચેરી ખાતે સ્વીકારાશે.જ્યારે વોર્ડ 5થી 11ના ફોર્મ કલેક્ટર કચેરી ખાતે સ્વીકારાશે.તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. તેમાં 11 વોર્ડ માટે પાંચ રિટર્નિંગ ઓફિસરોને નીમી દેવાયા છે.આદર્શ આચારસંહિતાના અમલીકરણ અને ચૂંટણીલક્ષી કામગીરી માટે સ્પેશિયલ નોડલ અધિકારીઓની નિમણૂંક કરી દેવાઈ છે.જાહેરનામા પહેલા જ પક્ષોમાં ટિકિટના દાવેદારોનો મેળાવડો જામ્યો છે.ઉમેદવારી કરવા માંગતા ઈચ્છુકોના કદમ 26 સપ્ટેમ્બર સુધી કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત તરફ દોડતા દેખાશે.

મદદનીશ ચૂંટણી અધિકારીઓ નીમી દેવામાં આવ્યા

મહાપાલિકાના 11 વોર્ડ માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નીમી દેવામાં આવ્યા છે.જેઓ આજથી ચૂંટણીલક્ષી કામગીરીમાં જોતરાઈ જશે.જે નિમણૂંકો આપવામાં આવી છે તેમાં વોર્ડ-1 અને 2 માટે ચૂંટણી અધિકારી તરીકે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને મદદનીશમાં માણસા મામલતદારને નિયુક્ત કરાયા છે.વોર્ડ-3 અને 4 માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીઅને દહેગામ તાલુકા વિકાસ અધિકારી, વોર્ડ-5 અને 6 માટે જિલ્લા પુરવઠા અધિકારી અને દહેગામ મામલતદાર,વોર્ડ 7 અને 8 માટે કલોલ પ્રાંત અને ગાંધીનગર મામલતદાર,વોર્ડ-9,10 અને 11 માટે ગાંધીનગર પ્રાંત અને ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીની નિયુક્તિ કરાઈ છે.

આ પણ વાંચોઃ Dahegam: ભાદરોડા ચોકડી પાસે રોડ ક્રોસ કરવા જતા વૃદ્ધને એક પીકઅપડાલાના ચાલકે ટક્કર મારતા મોત