અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક ફરી એકવાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. હાઈવે પર રોડની કામગીરી ચાલી રહી હોવાથી એક તરફનો રસ્તો બંધ કરીને બીજી તરફ વાહનવ્યવહાર માટે વન-વે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ દરમિયાન કલ્યાણગઢ પાટિયા નજીક એક કાર અને CNG અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
કાણોતરના રિક્ષાચાલકને ગંભીર ઈજા, કાર સવારોનો આબાદ બચાવ
આ અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોને સામાન્ય નાની-મોટી ઈજાઓ પહોંચી હતી, પરંતુ CNG રિક્ષાના ચાલકને શરીરે ગંભીર ઈજાઓ થતા તે લોહીલુહાણ હાલતમાં ફસાયો હતો. ઈજાગ્રસ્ત રિક્ષાચાલક બાવળા તાલુકાના કાણોતર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.

બાવળા સરકારી હોસ્પિટલમાં સુવિધાના અભાવે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો
ઘટના સ્થળે પહોંચેલી 108 એમ્બ્યુલન્સ મારફતે ગંભીર રીતે ઘાયલ રિક્ષાચાલકને તાત્કાલિક સારવાર અર્થે બાવળા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હાલ બાવળા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક અને ઇમરજન્સી સારવાર સિવાય વધુ સઘન સારવાર મળવી મુશ્કેલ હોવાથી, દર્દીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી.

હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દ્રશ્યો
અમદાવાદ-રાજકોટ હાઈવે પર પહેલેથી જ વન-વે રસ્તો હોવાથી અને તેમાં અકસ્માત સર્જાતા માર્ગ પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. અકસ્માતને પગલે હાઈવે પર બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: Ahmedabad News: સોલા હાઈકોર્ટ પોલીસની ચાણક્ય પુરીમાં રેડ, લાખોના હાઈબ્રિડ ગાંજા સાથે બે શખ્સોને ઝડપાયા