અમદાવાદ શહેરમાં ડ્રગ્સના નેટવર્ક સામે પોલીસ દ્વારા સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે, ત્યારે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચાણક્યપુરી વિસ્તારમાં બાતમીના આધારે કાર્યવાહી કરીને લાખો રૂપિયાની કિંમતના પ્રતિબંધિત હાઈબ્રિડ ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને રંગે હાથે ઝડપી પાડ્યા છે.
ભાગવત ચાર રસ્તા પાસેથી વિશા સોની અને ધ્રુવ પટેલની ધરપકડ
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ, સોલા હાઈકોર્ટ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન ભાગવત ચાર રસ્તા પાસે આવેલા આશાપુરા પાર્લર નજીક શંકાસ્પદ હાલતમાં બે યુવકો મળી આવ્યા હતા. પોલીસે તેમની અંગજડતી લેતા તેમની પાસેથી 35.970 ગ્રામ હાઈબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ વિશાલ સોની (રહે. ચાંદખેડા) અને ધ્રુવ પટેલ (રહે. ગોતા) તરીકે થઈ છે. જપ્ત કરવામાં આવેલા હાઈબ્રિડ ગાંજાની અંદાજિત બજાર કિંમત રૂપિયા 1,25,895 જેટલી થાય છે.

