રાજકોટ મહાનગરપાલિકાના જંગલેશ્વર ડિમોલિશન બિલ કાંડમાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. હવે આ સમગ્ર મામલે એક મોટું વીડિયોગ્રાફી કૌભાંડ સપાટી પર આવ્યું છે, જેના પાકા પુરાવા પણ હાથ લાગ્યા છે. ડિમોલિશન દરમિયાન વીડિયોગ્રાફી કરવાનો કોન્ટ્રાક્ટ લેનાર બાલાજી સ્ટુડિયોના સંચાલક હિતેષ ભાયાણીએ મનપાના અધિકારીઓ સાથે મેળાપીપણું કરીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ઓનલાઈન મની ટ્રાન્સફરના સ્ક્રીનશૉટ્સ સામે આવતા જ આ કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે.


કેમેરામેન દીઠ 6 હજારની કમાણી

સામે આવેલા પુરાવા મુજબ, કોન્ટ્રાક્ટર હિતેષ ભાયાણીએ રાજકોટ કોર્પોરેશન પાસેથી એક કેમેરામેન દીઠ 8 હજાર વસૂલ્યા હતા, પરંતુ વાસ્તવમાં ગ્રાઉન્ડ પર કામ કરનારા કેમેરામેનને માત્ર 2 હજાર જ ચૂકવવામાં આવ્યા હતા. આમ, એક જ કેમેરામેન પાછળ સીધી 6 હજારની કમાણી કરીને કોન્ટ્રાક્ટરે આખા ડિમોલિશન દરમિયાન અંદાજે 15 લાખની તગડી કમાણી કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરના દાવા મુજબ આ કામગીરીમાં કુલ 292 કેમેરામેનનો ઉપયોગ કરાયો હતો.

વિવાદિત કોન્ટ્રાક્ટર હિતેષ ભાયાણીનો બચાવ

બીજી તરફ, આ મામલે ઘેરાયેલા બાલાજી સ્ટુડિયોના માલિક હિતેષ ભાયાણીએ પોતાનું નિવેદન જાહેર કરીને તમામ આક્ષેપોને નકારી કાઢ્યા છે. ભાયાણીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૨૪થી અમારો મનપા સાથે સત્તાવાર કોન્ટ્રાક્ટ છે અને અમે કોર્ટની ગાઇડલાઇન મુજબ જ વીડિયોગ્રાફી કરી છે. અલગ-અલગ દિવસે ડેઇલી બેઝ પર વીડિયોગ્રાફર્સને બોલાવી કલાકોના હિસાબે કામગીરી સોંપાઈ હતી. આ પ્રોજેક્ટ માટે મેં પોતે 25 લાખની લોન લીધી છે અને અમારો કુલ ખર્ચ 24 લાખ થયો છે, જેનું જ બિલ મૂકવામાં આવ્યું છે." ભાયાણીએ વધુમાં ઉમેર્યું કે તેમણે કોઈ અધિકારીને બચાવવા માટે પૈસા લીધા નથી. જો કે, ઓનલાઈન પેમેન્ટના સ્ક્રીનશૉટ સામે આવ્યા બાદ હવે મનપા તંત્ર આ મામલે કેવા પગલાં ભરે છે તેના પર સૌની નજર છે. 

વશરામ સાગઠિયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા 

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશનના તોતિંગ ખર્ચ અંગે કોંગ્રેસના નેતા વશરામ સાગઠિયાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપના નેતાઓ અને અધિકારીઓની મિલીભગતથી જનતાના પૈસાનો વેડફાટ થયો છે, જેમાં મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા પણ શંકાના દાયરામાં છે. સાગઠિયાના મતે, કોઈ મોંઘા લગ્નપ્રસંગની જેમ ડિમોલેશનની વીડિયોગ્રાફી તેમજ ખાણીપીણી અને પાણી પાછળ મોટો ધુમાડો કરવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીનો કુલ ખર્ચ રૂ. ત્રણ કરોડને પાર પહોંચે તેવી શક્યતા હોવાથી તેમણે આ કરોડોના ખર્ચ પાછળ ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરી સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો----     Sandesh Digital Explainer : યુરોપના તમામ દેશોમાં ‘હીટ ડોમ’નો કાળો કેર, AC ખરીદવા પડાપડી, જાણો આટલી બધી ભીષણ ગરમીનું અસલી કારણ

  • Follow us on: