અમદાવાદના રામોલ વિસ્તારમાં ગઈકાલે ફટાકડા બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટે 9 નિર્દોષ શ્રમિકોના જીવ લીધા બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ઘટનાની ગંભીરતાને પગલે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર કડક વલણ અપનાવી રહ્યું છે. આ ચકચારી કેસની ઊંડાણપૂર્વક અને વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. આ સીટ (SIT) માં ડીસીપી ઝોન 8, એસીપી એસ-ડિવિઝન અને રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ દૈનિક રિપોર્ટ સરકારને સોંપશે.
જમીન માલિક ધરપકડના ડરે ભૂગર્ભમાં ઉતરી ગયો
બીજી તરફ, લોકલ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા જે જમીન પર ગેરકાયદેસર શેડ બનાવીને આ મોતની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી, તેના પર ભારે સુરક્ષા વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ ફેક્ટરી ભાડાની જમીન રાખીને ચલાવવામાં આવી રહી હતી. બ્લાસ્ટની ઘટના બાદ જમીન માલિક ધરપકડના ડરે ભૂગર્ભમાં ઉતરી ગયો છે, જેને શોધવા પોલીસ ટીમો રવાના કરાઈ છે.
આરોપી રમીલાનું નિવેદન અને એફએસએલ ઓડિટ
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી આ કેસની આરોપી રમીલા ડોડીયાનું પોલીસે સત્તાવાર નિવેદન નોંધ્યું છે. રમીલાએ જણાવ્યું કે બ્લાસ્ટ થયો તે પહેલાં મેહુલ નામનો શખ્સ બહાર કોઈ વસ્તુ લેવા માટે ગયો હતો. પોલીસે હોસ્પિટલમાં જ તેની કડક પૂછપરછ કરીને ઘટના સમયે ફેક્ટરીની અંદર હાજર અન્ય મજૂરો અને સંચાલકો અંગેની વિગતો કઢાવી છે. આ સાથે જ 'સ્ટેટ એફએસએલ (FSL)' ની ઉચ્ચ સ્તરીય ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચીને વિસ્ફોટ કયા કેમિકલના કારણે થયો તેની ઝીણવટભરી તપાસ કરીને ફટાકડા બનાવવાનું જીવંત રો-મટીરિયલ જપ્ત કર્યું છે. મયુર પાટીલ - નાયબ પોલીસ કમિશનર,ઝોન 8,વાય.એ.ગોહિલ - મદદનીશ પોલીસ કમિશનર, એસ ડિવિઝન,વી.ડી.મોરી - પોલીસ ઈન્સપેકટરશ્રી, રામોલ પોલીસ સ્ટેશન,મયુર પાટીલ,વાય.એ.ગોહિલ,વી.ડી.મોરી SIT ટીમ મેમ્બર,જયપાલસિંહ રાઠોડ - અધિક પોલીસ કમિશનર , સેક્ટર 2 ( Addi CP,સેક્ટર 2 ) જયપાલસિંહ ઈન્ચારર્જ જેમને રીપોર્ટ સોંપવાનો છે.
અમદાવાદથી કપડવંજ સુધી ફેલાયેલું સાદીક સૈયદનું નેટવર્ક
આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો સાદીક સૈયદ નામના વ્યક્તિના કનેક્શનથી થયો છે. બ્લાસ્ટ સ્થળથી માત્ર 500 મીટર દૂર આવેલા સાદીકના ‘કરીમી ફાર્મ’ પર પોલીસે તાળા મારી દીધા છે. આ ફાર્મના બોર્ડ પર ‘રામોલ વાળા’ અને એક મોબાઈલ નંબર લખેલો મળ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે થોડા સમય પહેલાં ખેડાના કપડવંજમાં થયેલા ફટાકડા બ્લાસ્ટની ગેરકાયદેસર ફેક્ટરીની જમીન પણ સાદીકની જ હતી. સાદીક સૈયદ ફટાકડાના કાળા કમાણીના નાણાંથી મોંઘીદાટ જમીનો ખરીદતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોલીસ હવે અમદાવાદ અને કપડવંજ બંને ફેક્ટરીઓ વચ્ચેના આર્થિક અને વ્યાપારી સંબંધોની કડીઓ જોડી રહી છે.
ગેરકાયદેસર રીતે ફટાકડાનું મોટું સ્ટોરેજ બનાવાયું
વધતી જતી જનતાની નારાજગી વચ્ચે, ફાયર વિભાગે મોડી રાત્રે જ શહેરમાં કોમ્બિંગ કરીને વિરાટનગર વિસ્તારમાં આવેલા 'મહાવીર સીઝનેબલ સ્ટોર' ને સીલ કરી દીધું છે. આ દુકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું મોટું સ્ટોરેજ બનાવાયું હતું અને તેનું પોલીસ લાયસન્સ લાંબા સમયથી એક્સપાયર થઈ ગયું હોવા છતાં નિયમ મુજબ રિન્યુ કરાવવામાં આવ્યું નહોતું. આ ઉપરાંત ગ્યાસપુરમાં ચાલતી અન્ય બે શંકાસ્પદ ફટાકડા ફેક્ટરીઓ પર પણ તાળા મારી દેવાયા છે. તંત્રની આ દોડાદોડ પર સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આટલી કડક કાર્યવાહી પહેલાં જ કરી દેવાઈ હોત તો 9 લોકોના જીવ બચી શક્યા હોત.
આ પણ વાંચો: Ahmedabad: વાંચ ગામે ફટાકડા ફેક્ટરીઓમાં નિયમોના લીરેલીરા, તપાસના ડરે ઓપરેટરો વિસ્ફોટકો મૂકી ભાગ્યા