અમદાવાદના છેવાડે આવેલા વાંચ ગામમાં ગઈકાલે ફટાકડાના એક ગેરકાયદેસર યુનિટમાં પ્રચંડ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો વચ્ચે 'સંદેશ ન્યૂઝ'ની ટીમે વાંચ ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં ધમધમતી અન્ય ફટાકડા ફેક્ટરીઓ અને સ્ટોલનું રિયાલિટી ચેક કર્યું હતું. આ તપાસ દરમિયાન જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે લાલબત્તી સમાન અને વહીવટી તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પાડનારા છે. વાંચ ગામની અંદર અનેક નાના-મોટા ફટાકડાના ગોડાઉન, ફેક્ટરીઓ અને સ્ટોલ કોઈપણ જાતની પરવાનગી કે સેફ્ટી વગર ચાલી રહ્યા છે.
ફટાકડાના એક ગેરકાયદેસર યુનિટમાં પ્રચંડ બ્લાસ્ટ
ગ્રાઉન્ડ ઝીરો પર તપાસ કરતા જોવા મળ્યું કે, કાયદાની આંખમાં ધૂળ નાખવા માટે મુખ્ય રોડથી દૂર ખુલ્લા ખેતરોની વચોવચ ફટાકડા ઉત્પાદનના જોખમી યુનિટો ઊભા કરવામાં આવ્યા છે. અહીં માત્ર 3 કાચા પતરાના શેડ બનાવીને તેની નીચે સેંકડો મજૂરો પાસે ફટાકડા બનાવડાવવામાં આવતા હતા. ગઈકાલે બનેલી ગંભીર દુર્ઘટના બાદ તપાસના અને જેલ ભેગા થવાના ડરથી આ તમામ ફેક્ટરીઓના માલિકો અને સંચાલકો રાતોરાત પોતાના એકમો બંધ કરીને ભાગી છૂટ્યા છે.
નિયમોના લીરેલીરા અને નકલી સુરક્ષા
રિયાલિટી ચેક દરમિયાન વન-બાય-વન શેડની તપાસ કરતા પતરાની નીચે ફટાકડા બનાવવાનો અત્યંત જોખમી દારૂગોળો, ગન પાવડર અને અન્ય કેમિકલ મટીરિયલ ખુલ્લામાં પડેલું જોવા મળ્યું હતું. જો નાની સરખી સ્પાર્ક કે તણખો પણ અહીં પહોંચે તો આખું ખેતર મિનિટોમાં સ્વાહા થઈ જાય તેમ છે. સૌથી ભયાનક બાબત એ સામે આવી કે ફેક્ટરીમાં કાગળ પર ફાયર સેફ્ટી બતાવવા માટે ફાયર ગન અને સિલિન્ડરો ટીંગાડવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે સંદેશ ન્યૂઝની ટીમે તેની તારીખ ચેક કરી ત્યારે તે તમામ એક્સપાયર થઈ ગયેલા ગેસ સિલિન્ડરો હતા. એટલે કે જો આગ લાગે તો આ સિલિન્ડરો ધૂળ સમાન સાબિત થાય તેમ હતા.
ફેક્ટરીઓના માલિકો એકમો બંધ કરીને ભાગી છૂટ્યા
બ્લાસ્ટની ઘટના બાદ હાલમાં આ મોતના અડ્ડાઓ બંધ હાલતમાં છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અમદાવાદ ગ્રામ્ય પોલીસ, ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી વિભાગ અને ફાયર બ્રિગેડે આ ગેરકાયદેસર એકમો સામે અત્યાર સુધી કેમ આંખ આડા કાન કર્યા હતા? સ્થાનિક રહીશો હવે આ તમામ જોખમી ફેક્ટરીઓને રહેણાંક વિસ્તારથી દૂર ખસેડવાની અને ફરાર સંચાલકો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Vadodara: શિનોર પંથકમાં વરસાદના બીજા રાઉન્ડની ધમાકેદાર શરૂઆત, અસહ્ય ઉકળાટ બાદ બપોરે વાતાવરણમાં પ્રસરી ઠંડક