ભાડા નીતિ સહિતના વિવિધ પ્રશ્નોને લઈને અમદાવાદમાં રિક્ષાચાલકો દ્વારા શરૂ કરાયેલી હડતાળના કારણે આજે શહેરભરમાં મુસાફરોની સફર સજા બની ગઈ છે અને એસટી બસ સ્ટેન્ડ તેમજ રેલવે સ્ટેશન પર ભારે હાલાકી સર્જાઈ છે. અમદાવાદના રાણીપ એસટી બસ સ્ટેન્ડ અને સાબરમતી રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શિત કરતા રિક્ષાચાલકોએ અન્ય રિક્ષાઓને અટકાવી તેમાં બેસેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા.ઝારખંડ અને દિલ્હીથી આવેલા પરપ્રાંતીય મુસાફરો સહિત અનેક લોકો કલાકો સુધી ફૂટપાથ પર બેસી રહેવા મજબૂર બન્યા હતા.રિક્ષા કે કેબ સુવિધા ન મળવાના કારણે હડતાળનો સીધો માર સામાન્ય પેસેન્જરો પર પડ્યો છે અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

રિક્ષા ચાલકોની હડતાળનો દિવસ

સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની

સોમવારથી ગુરુવાર સુધી ચાલનારી આ પ્રતીક હડતાલથી સામાન્ય મુસાફરોની સ્થિતિ અત્યંત કફોડી બની છે.જોકે રાહતની વાત એ છે કે સ્કૂલવર્ધીના વાહનોને આ આંદોલનમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.આગામી ચાર દિવસમાં સત્તાવાળાઓ દ્વારા યોગ્ય નિવારણ નહીં લાવવામાં આવે તો હડતાલને અનિશ્ચિત મુદત સુધી લંબાવવાની સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે.બીજી તરફ,રિક્ષાના બે યુનિયનો આ હડતાલથી અલગ રહ્યા છે.તેઓ આંદોલન કરવાને બદલે વ્હાઇટ પ્લેટ સામે કડક કાર્યવાહી કરવા અને હાઇ કોર્ટની સૂચના છતાં કેબ કંપનીઓ પાસેથી ટેક્સ ન ઉઘરાવવા બદલ આરટીઓ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરશે.

રિક્ષા ચાલકોની હડતાળ

ટેક્સીના ભાડામાં તાત્કાલિક યોગ્ય વધારો કરવામાં આવે.

વ્હાઇટ નંબર પ્લેટ ધરાવતા અને ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિ કરતા વાહનોને ડિટેઇન કરી 10 હજારના દંડની જોગવાઈનો કડક અમલ થાય.ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યોમાંથી આવતા વાહનો મુસાફરોને મૂકીને પરત જવાને બદલે ખોટા આઇડી બનાવી અમદાવાદમાં નિયમ વિરુદ્ધ ધંધો કરે છે, જેમના પર કડક કાર્યવાહી કરાય.કેબ કંપનીઓ દ્વારા બહારના રાજ્યોના વાહનોને આપવામાં આવતું પ્રોત્સાહન તાત્કાલિક બંધ થાય. આજે શહેરમાં રસ્તા પર ફરતી રિક્ષાઓ રોકવામાં આવી રહી છે. કેટલીક રિક્ષાઓમાંથી મુસાફરોને ઉતારી દેવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: બાળકોનું અપહરણ કરી 10 હજારમાં વેચી દેતા, કાળી મજૂરી કરાવનાર બે આરોપીઓ ઝડપાયા