અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર શાંતિથી બેસતા નાગરિકો અને પ્રેમીપંખીડાઓને ડરાવી-ધમકાવી તોડબાજી કરતી ગેંગ સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે લાલ આંખ કરી છે. વહેલી સવારે રિવરફ્રન્ટ પર બેઠેલા એક નિર્દોષ કપલને ‘હું પોલીસકર્મી છું’ તેવી ઓળખ આપી, તેમના અંગત ફોટા પરિવારજનો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી ઓનલાઇન ₹10,000 પડાવી લેનારા નકલી પોલીસને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ફિલ્મી ઢબે ટ્રેપ ગોઠવી દબોચી લીધો છે. પકડાયેલા આરોપીની ઓળખ ગોમતીપુરના કુખ્યાત મોહમદ હુસૈન ઉર્ફે હડ્ડી કમરૂદ્દીન શેખ તરીકે થઈ છે.
વહેલી સવારે 4 વાગ્યે વોક-વે પર બેઠેલા કપલને નિશાન બનાવ્યું
ગત 24 મેના રોજ વહેલી સવારે આશરે 4:00 વાગ્યાના સુમારે એક યુવક અને યુવતી સાબરમતી રિવરફ્રન્ટ પર એરોડ્રોમ પાછળ આવેલા વોક-વે પર શાંતિથી બેઠા હતા. દરમિયાન ગોમતીપુરનો મોહમદ હુસૈન ઉર્ફે ‘હડ્ડી’ ત્યાં ધસી આવ્યો હતો અને પોતે સાચા પોલીસકર્મી તરીકે રોફ જમાવી કપલ સાથે ગેરવર્તણૂક કરી ગાળાગાળી શરૂ કરી હતી.આરોપીએ કપલના બંને મોબાઈલ ફોન બળજબરીથી આંચકી લીધા હતા અને ‘તમારા ફોટા પરિવારજનોને મોકલી દઈશ તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરી નાખીશ’ તેવી બીક બતાવી ધમકી આપી હતી.
મિત્ર પાસેથી પૈસા મંગાવ્યા, QR કોડ સ્કેન કરાવી ખાતામાં રૂપિયા લીધા
બદનામી અને કેસના ખોટા ડરથી ગભરાઈ ગયેલા કપલ પાસે આરોપીએ ₹10,000રોકડાની માંગણી કરી હતી.યુવક પાસે પૂરતા પૈસા ન હોવાથી તેણે તાત્કાલિક પોતાના મિત્રને ફોન કરી ઓનલાઇન ₹૬,૦૦૦ મંગાવ્યા હતા અને પોતાના એકાઉન્ટમાં રહેલા પૈસા મળી કુલ ₹10,000 ભેગા કર્યા હતા.નકલી પોલીસ બનેલા આરોપીએ પોતાનો ઓનલાઇન QR કોડ સ્કેન કરાવી સીધા પોતાના બેંક ખાતામાં ₹10,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.નાણાં પડાવ્યા બાદ આરોપીએ કપલને મોં બંધ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસની ટ્રેપ: ‘હડ્ડી’ હાથ જોડવા લાગ્યો
ભોગ બનનાર કપલે હિંમત દાખવી સમગ્ર મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી લેખિત ફરિયાદ નોંધાવી હતી.પોલીસે કપલ પાસેથી ઓનલાઇન ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ, સીસીટીવી ફૂટેજ તેમજ ઓડિયો-વીડિયો પુરાવા એકત્રિત કરી સુનિયોજિત ટ્રેપ ગોઠવી હતી.પોલીસે ગોમતીપુર વિસ્તારમાંથી આરોપી મોહમદ હુસૈન ઉર્ફે હડ્ડી કમરૂદ્દીન શેખને ઝડપી પાડ્યો હતો.ખાખી વર્દીનો અસલી પ્રભાવ જોતાં જ રોફ જમાવતો નકલી પોલીસ કરગરવા લાગ્યો હતો અને પોલીસ સમક્ષ હાથ જોડી માફી માંગવા લાગ્યો હતો.રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આરોપી સામે તોડબાજી, ધમકી અને નકલી ઓળખ ઉભી કરવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી, તેણે અગાઉ અન્ય કોઈ કપલને આ જ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં કડક રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચો: Bharuch: બેઠકમાં દાંડલી મારનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સંગઠન એક્શન મોડમાં, નોટિસ જારી થતાં પક્ષમાં ખળભળાટ