અમદાવાદ શહેરમાં ઓલા, ઉબર અને રેપિડો જેવી લોકપ્રિય એગ્રીગેટર કંપનીઓમાં નિયમોને નેવે મૂકીને વાહનો દોડાવાતા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ RTO દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી વિશેષ ડ્રાઇવ દરમિયાન નોન-ટ્રાન્સપોર્ટ વાહનોનો કોમર્શિયલ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું છે. નિયમ મુજબ કોઈપણ એગ્રીગેટર પ્લેટફોર્મ સાથે જોડાતી કાર કે બાઇકનું ટ્રાન્સપોર્ટ વાહન તરીકે રજિસ્ટ્રેશન હોવું અનિવાર્ય છે. આ સાથે જ વાહનની સંબંધિત રાજ્યમાં જરૂરી નોંધણી અને પરવાનગી પણ ફરજિયાત છે, પરંતુ આ કાયદાકીય જોગવાઈઓની ખુલ્લેઆમ અવગણના થતી જોવા મળી છે.

31 વાહનો ડિટેઈન અને 5 લાખ રૂપિયાનો દંડ

RTOની આ કડક તપાસ કાર્યવાહી દરમિયાન નોન-ટ્રાન્સપોર્ટ બાઇકનો ઉપયોગ કરીને ઓલા, ઉબર અને રેપિડો સાથે સંકળાયેલા 10 બાઇકચાલકોનાં વાહનો ડિટેઈન કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં નોંધાયેલી 21 કાર પણ અમદાવાદમાં ગેરકાયદે કોમર્શિયલ પ્રવૃત્તિમાં ઉપયોગમાં લેવાતી હોવાનું ઝડપાયું છે. આમ, કુલ 31 વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી અંદાજે 5 લાખ રૂપિયાનો માતબર દંડ વસૂલવામાં આવ્યો છે.

એગ્રીગેટર કંપનીઓને પણ ફટકારાઈ કડક નોટિસ

માત્ર વાહનચાલકો જ નહીં, પરંતુ હવે RTOએ સીધી એગ્રીગેટર કંપનીઓની જવાબદારી નક્કી કરીને તેમની સામે પણ સકંજો કસ્યો છે. અમદાવાદ RTO દ્વારા ઓલા, ઉબર અને રેપિડો કંપનીઓને સત્તાવાર નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં રાજ્યમાં આપવામાં આવેલા લાયસન્સનો ગેરઉપયોગ થતો હોવાનો ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. 

RTOના અહેવાલ મુજબ, રેપિડો પાસે રાજ્યમાં માત્ર રિક્ષા ઓપરેશન માટે જ લાયસન્સ છે, છતાં પણ કાર અને બાઇકનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ઉબર પાસે કાર અને રિક્ષા ઓપરેશનનું લાયસન્સ હોવા છતાં બાઇકનો કોમર્શિયલ ઉપયોગ કરાઈ રહ્યો છે, જે સીધી રીતે મુસાફરોની સુરક્ષા સાથે ગંભીર ચેડાં સમાન છે.

સસ્તી સર્વિસ કે મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં?

એક તરફ ઓલા, ઉબર અને રેપિડોનો ઉપયોગ કરતા ગ્રાહકોનું એવું માનવું છે કે, આ સર્વિસના કારણે તેમને ઝડપી, ડોરસ્ટેપ અને સસ્તી સુવિધા મળી રહી છે, પરંતુ બીજી તરફ સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે, સસ્તી અને ઝડપી સર્વિસની આડમાં કાયદાકીય નિયમોનું પાલન કોણ કરાવશે? વાહનચાલકોની સાથે-સાથે આ એગ્રીગેટર કંપનીઓની નૈતિક અને કાનૂની જવાબદારી કેટલી? અને સૌથી મહત્ત્વનું એ છે કે, નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતાં આ વાહનોમાં મુસાફરી કરતા સામાન્ય નાગરિકોની સુરક્ષાની આખરી જવાબદારી કોની રહેશે? RTOની આ નોટિસ બાદ કંપનીઓ શું જવાબ રજૂ કરે છે અને ગેરકાયદે ચાલતા વાહનો સામે આ ડ્રાઇવ કેટલી અસરકારક સાબિત થાય છે તે આગામી સમય જતાવશે.


આ પણ વાંચો: Ahmedabadના એસ.પી. રિંગરોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: ટ્રક પાછળ કાર અથડાતા 1નું મોત, 3 ઇજાગ્રસ્ત