પ્રકાશ અને ઉલ્લાસના મહાપર્વ દિવાળી તેમજ નૂતન વર્ષની ઉજવણી પોતાના સ્નેહીજનો સાથે કરી શકે તે માટે જેલ પ્રશાસન દ્વારા કેદીઓ પ્રત્યે સંવેદનશીલ અને માનવીય અભિગમ દાખવવામાં આવ્યો છે. અમદાવાદની ઐતિહાસિક સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ પૈકી પસંદગી પામેલા 33 કેદીઓને ખાસ ‘દિવાળી સ્પેશિયલ પેરોલ’ પર 14 દિવસ માટે મુક્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 80 જેટલા કેદીઓને પણ નિયમાનુસાર રેગ્યુલર પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. આમ, દિવાળીના તહેવારોમાં કુલ 113 જેટલા કેદીઓ પોતાના ઘરે જઈ પરિવારજનો સાથે પર્વની ખુશીઓ વહેંચી શકશે.

દિવાળી સ્પેશિયલ પેરોલના નિયમો અને લાભાર્થીઓની વિગતો

દિવાળી સ્પેશિયલ પેરોલ હેઠળ 26 પુરુષ કેદીઓ અને 7 મહિલા કેદીઓ મળીને કુલ 33 કેદીઓને જેલમાંથી કામચલાઉ મુક્તિ આપવામાં આવી છે. આ ખાસ પેરોલ માત્ર એવા જ કેદીઓને ફાળવવામાં આવ્યા છે જેમના નામે માત્ર ૧ જ ગુનો નોંધાયેલો હોય અને જેલમાં તેમનું વર્તન સારું રહ્યું હોય. આ ઉપરાંત પુરુષ કેદીઓના કિસ્સામાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન કેદીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે. આ 33 સ્પેશિયલ કેદીઓ ઉપરાંત અન્ય 80 જેટલા કેદીઓને તેમની યોગ્યતા મુજબ નિયમિત (રેગ્યુલર) પેરોલ રજાઓ આપવામાં આવી છે.તમામ કેદીઓને 14 દિવસના સમયગાળા માટે મુક્ત કરાયા છે. આ 14  દિવસની મુદત પૂર્ણ થયા બાદ નિયત સમયે તમામ કેદીઓએ ફરજિયાતપણે ફરી સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાનું રહેશે.

જેલ એસપીનું સત્તાવાર નિવેદન

"રાજ્ય સરકાર અને જેલ વિભાગના પરિપત્ર મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીના પાવન પર્વે કેદીઓ પોતાના પરિવારજનો સાથે તહેવાર મનાવી શકે તે હેતુથી પેરોલ આપવામાં આવ્યા છે. જેમાં સિંગલ ઓફેન્સ ધરાવતા અને વયમર્યાદાના નિયમો પૂર્ણ કરતા 26 પુરુષ અને 7 મહિલા કેદીઓને સ્પેશિયલ દિવાળી પેરોલ તેમજ અન્ય 80 કેદીઓને રેગ્યુલર પેરોલ પર ૧૪ દિવસ માટે મુક્ત કરવામાં આવ્યા છે. મુદત પૂરી થયે તમામ કેદીઓ જેલમાં પુનઃ હાજર થશે."

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે ડિજિટલ ક્રાંતિ; 1 ડિસેમ્બરથી શરૂ થશે ફરિયાદ માટે સ્પેશિયલ એપ