અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના પૂર્વ કિનારે આવેલા પૌરાણિક ધાર્મિક અને હેરિટેજ સ્થળોને એકસૂત્રે બાંધીને ધાર્મિક પ્રવાસનને નવો વેગ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેરિટેજ વિભાગ દ્વારા એક મહત્વાકાંક્ષી માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સપ્તર્ષિ આશ્રમથી લઈને જગન્નાથજી મંદિર અને ત્યાંથી અટલઘાટ સુધીના સમગ્ર માર્ગને 'ટેમ્પલ ટુરિઝમ સર્કિટ' તરીકે વિકસાવવામાં આવશે.
રૂ. 115.02 કરોડનો માસ્ટર પ્લાન
સાબરમતી નદીના પૂર્વ કાંઠે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ધાર્મિક સ્થળોને જોડીને આ નવો હેરિટેજ કોરિડોર તૈયાર કરાશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ અંદાજે 115.02 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. આ રૂટમાં સપ્તર્ષિ આશ્રમ, જગન્નાથજી મંદિર (જલયાત્રા માર્ગ), ભદ્ર-વસંતચોક અને અટલઘાટ સુધીના વિસ્તારોને આવરી લેવામાં આવશે.

પ્રોજેક્ટનું 3 મુખ્ય ભાગોમાં વિભાજન
આ સમગ્ર ટેમ્પલ ટુરિઝમ સર્કિટ પ્રોજેક્ટને મુખ્યત્વે 3 વિશિષ્ટ ભાગોમાં વહેંચીને કામગીરી હાથ ધરાશે.
- પહેલો ભાગ: તિલકબાગની પાછળ સાબરમતી નદીના કિનારે 'હેરિટેજ ઈન્ટરપ્રિટેશન સેન્ટર' સાથે મલ્ટીલેવલ પાર્કિંગ અને મોર્ડન ફૂડ પ્લાઝાનું નિર્માણ કરાશે.
- બીજો ભાગ: વસંતચોક અને અટલઘાટ સામેના નદીકાંઠા વિસ્તારમાં આવેલા મંદિરોને સાંકળીને એક ભવ્ય 'મંદિર ચોક' બનાવવામાં આવશે. અહીં જગન્નાથ મંદિર, સોમનાથ ભૂદર આરો (જલયાત્રા માર્ગ) સહિત પૌરાણિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરાશે.
- ત્રીજો ભાગ: સપ્તર્ષિ આશ્રમ પાસે આવેલા મંદિરોનો જીર્ણોદ્ધાર કરી, ત્યાં સપ્તર્ષિના આકર્ષક સ્કલ્પચર (શિલ્પો) મૂકીને એક નવો ચોક વિકસાવવામાં આવશે.

2 કિલોમીટર લાંબા માર્ગ પરના 30 થી વધુ મંદિરોનો કાયાકલ્પ
આશરે 2 કિલોમીટર લાંબા આ માર્ગ પર આવેલા પૌરાણિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરીને આસપાસ ટેમ્પલ પ્લાઝા બનાવવામાં આવશે. જેમાં માણેકચોક પાસેનું મહાલક્ષ્મી મંદિર, રામબારી નજીકના મંદિરો, વસંતચોકનું ગણપતિ મંદિર, મારુતિ મંદિર અને કૃષ્ણ મંદિર જેવા સ્થળોનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં એલિસબ્રિજ પાસે આવેલા પૌરાણિક 30 જેટલા મંદિરોનો વિકાસ કરવામાં આવશે. આ પ્રથમ તબક્કાનું કામ અંદાજે 18 મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

વિસ્થાપિતો માટે EWS આવાસ યોજના
આ હેરિટેજ રૂટ પર પૂર્વ તરફ આવેલી સરકારી જમીન પર વસતા ઝૂંપડપટ્ટી વિસ્તારના રહીશોના યોગ્ય પુનઃસ્થાપન માટે AMC દ્વારા EWS આવાસ યોજના બનાવવામાં આવશે, જેથી સ્થાનિક લોકોને પાયાની સુવિધાઓ સાથે પાકા મકાન મળી રહે.

સાબરમતીના કિનારે આવેલા પૌરાણિક મંદિરોને નવી ભવ્ય ઓળખ આપવાની સાથે અમદાવાદમાં એક અદ્ભુત ટેમ્પલ ટુરિઝમ સર્કિટ ઊભી કરવાની દિશામાં AMCની આ એક ઐતિહાસિક પહેલ સાબિત થશે.
આ પણ વાંચો - Ahmedabad: સગીરા સંબંધ રાખવા માગતી ન હતી, પરિવાર ઘર બદલી ગયો છતાં આરોપીએ પીછો ન છોડ્યો