સાગબારા ખાતે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન અને વિવાદના નિવારણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે સક્રિય છે.આ સમગ્ર મામલે રાજ્ય મંત્રી પ્રવીણ માળીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.તેમણે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે સાગબારાના ખેડૂતોના વિરોધનો ખૂબ જ ટૂંક સમયમાં સુખદ અને સકારાત્મક અંત લાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને તે દિશામાં કામગીરી પણ ઝડપી બનાવી દેવામાં આવી છે.
બેઠકોનો દોર પૂર્ણ કરી લેવામાં આવ્યો છે
મંત્રી પ્રવીણ માળીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે,ખેડૂતોના વિરોધ પ્રદર્શન બાદ બંને પક્ષો સાથે રજૂઆતો સાંભળવા અને ચર્ચા-વિચારણા કરવા માટે બેઠકોનો દોર પૂર્ણ કરી લેવામાં આવ્યો છે.વિસ્તારમાં શાંતિ અને લો એન્ડ ઓર્ડર જળવાઈ રહે તે બાબતને પ્રાથમિકતા આપીને સ્થાનિક આગેવાનો તેમજ બંને જિલ્લાઓના લોકપ્રતિનિધિઓ સાથે પણ સરકારે ખાસ બેઠકો યોજી છે.તમામ પક્ષોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી છે.મંત્રીએ ઉમેર્યું હતું કે,મુખ્યમંત્રીના સૂચન અને માર્ગદર્શન મુજબ ખેડૂતોના પ્રશ્નોનો વહેલી તકે યોગ્ય ઉકેલ આવે તે માટે સરકાર પૂરતી કટિબદ્ધતા સાથે પ્રયાસ કરી રહી છે.
