દિલ્હી ખાતે સંસદ પરિસરમાં અપક્ષ સાંસદ પપ્પુ યાદવ દ્વારા દાન ચોરીના મુદ્દે કરવામાં આવેલા વિવાદિત વિરોધ પ્રદર્શનને લઈને દેશ સહિત ગુજરાતના સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ ઘટનાના વિરોધમાં રાજ્યના સંતોએ એક પત્રકાર પરિષદ યોજીને પપ્પુ યાદવના આ કૃત્યની આકરા શબ્દોમાં ટીકા કરી હતી.સંતોએ સ્પષ્ટ કર્યું હતું કે સાંસદ દ્વારા કરવામાં આવેલો આ વિરોધ માત્ર રાજકીય નાટક નથી પરંતુ ભગવાન શ્રીરામ અને આખી સનાતન સંસ્કૃતિનું ઘોર અપમાન છે.
આક્રોશ દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડાશે
પત્રકાર પરિષદમાં ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે,પપ્પુ યાદવે જે રીતે વિરોધ પ્રદર્શન કર્યું છે તે અત્યંત નિંદનીય છે અને તેનાથી સમગ્ર હિન્દુ ધર્મની લાગણી દુભાઈ છે.તેમણે વિપક્ષ પર નિશાન સાધતા ઉમેર્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજ સુધી દર્શન કરવા ગયા નથી.પરંતુ સંસદભવનમાં ચાલતા આવા નાટકોમાં પૂરેપૂરું સમર્થન આપે છે.આ અંગે જલદીથી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને સંત સમાજની નારાજગી અને આક્રોશ દેશના રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવામાં આવશે અને જરૂર પડશે તો પપ્પુ યાદવના પુતળા દહન પણ કરવામાં આવશે.
પપ્પુ યાદવે બનાવટી સંતનો વેશ ધારણ કર્યો
દિલીપદાસજી મહારાજ અને મોહનદાસજી મહારાજે આક્ષેપ કર્યો હતો કે 31 જુલાઈના રોજ પપ્પુ યાદવે બનાવટી સંતનો વેશ ધારણ કરીને સંત સમાજની મર્યાદાને લજવવાનું કામ કર્યું છે.તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી, અખિલેશ યાદવ અને મલ્લિકાર્જુન ખડગેના કહેવાથી આ કૃત્ય આચરવામાં આવ્યું છે.જે રીતે ભૂતકાળમાં રાવણ પણ સંતના વેશમાં આવ્યો હતો પણ અંતે તેનો નાશ થયો હતો.તેવી જ રીતે સનાતન ધર્મનું અપમાન કરનારાઓ વિનાશના માર્ગે જઈ રહ્યા છે.
આપણે ધર્મની રક્ષા કરીશું તો જ ધર્મ આપણી રક્ષા કરશે
સુખાનંદ મહારાજે જણાવ્યું હતું કે જો આપણે ધર્મની રક્ષા કરીશું તો જ ધર્મ આપણી રક્ષા કરશે.સંતોએ એક સૂરે સરકાર પાસે કડક માંગણી કરી છે કે સનાતન સંસ્કૃતિનું અપમાન કરનારા પપ્પુ યાદવનું સાંસદ પદ તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે અને તેઓ ભવિષ્યમાં ક્યારેય ચૂંટણી ન લડી શકે તેવી કાર્યવાહી થાય.આ મુદ્દાને લઈને સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એક અઠવાડિયા સુધી વિરોધ કાર્યક્રમો યોજાશે અને રાજ્યપાલને આવેદન અપાશે.જો સરકાર તરફથી યોગ્ય આકરાં પગલાં લેવામાં નહીં આવે તો આગામી સોમવારે રાજ્યભરના સાધુ-સંતો ગાંધીનગરમાં એકઠા થઈને ઉગ્ર આંદોલન કરશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: રોગચાળાને લઈ AMCએ 16 સાઈટો સીલ કરી, તપાસમાં 211 સ્થળોએ મચ્છરના બ્રિડ મળ્યા