ગુજરાતમાં વાહનવ્યવહાર વિભાગની ઓનલાઇન સેવાઓનું સંચાલન કરતું સારથી સર્વર અચાનક ઠપ્પ થઈ જતાં રાજ્યભરની આરટીઓ કચેરીઓમાં ભારે રોષનો માહોલ સર્જાયો છે. અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિત રાજ્યની તમામ 39 RTO કચેરીઓમાં ટેકનિકલ ખામીના કારણે સિસ્ટમ સંપૂર્ણપણે ડાઉન થઈ ગઈ છે. જેના લીધે ડ્રાઇવિંગ લાઇસન્સને લગતી તમામ કામગીરી અટકી પડી છે.
ખામી તાત્કાલિક દૂર કરવા લોકોની માંગ
સર્વર ખોરવાઈ જવાને કારણે નવા ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના કમ્પ્યુટર ટેસ્ટ, પાકા લાઇસન્સ માટેના ડ્રાઇવિંગ ટ્રેક ટેસ્ટ તેમજ લાઇસન્સ રિન્યુઅલ અને એન્ડોર્સમેન્ટ જેવી તમામ મહત્વની પ્રક્રિયાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. અગાઉથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લઈને આવેલા હજારો અરજદારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ કામ ન થતાં ભારે અટવાયા હતા. કાળઝાળ ગરમીની સિઝનમાં દૂર-દૂરથી આવેલા લોકોને ધક્કા ખાવા પડ્યા છે. જેને પગલે અરજદારોમાં તંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. રોષે ભરાયેલા લોકોએ આ ટેકનિકલ ખામીને તાત્કાલિક ધોરણે દૂર કરવા માંગ કરી છે.













