અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં રહેણાંક મકાનના ભોંયરામાં ધમધમતી એમડી (MD) ડ્રગ્સ બનાવવાની મીની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને સરખેજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સફળ જોઈન્ટ ઓપરેશનમાં આ સમગ્ર રેકેટ ઝડપી પાડવામાં આવ્યું છે. આ મામલે DCP શિવમ વર્માએ સત્તાવાર નિવેદન આપીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. સરખેજના લબ્બેક પાર્ક સ્થિત એક મકાનના ભોંયરામાં ગુપ્ત લેબ બનાવીને મુદ્દસર પઠાણ નામનો કુખ્યાત આરોપી છેલ્લા એક વર્ષથી ડ્રગ્સ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી બ્રોમિન સહિતના 20 જેટલા જોખમી કેમિકલ જપ્ત કર્યા છે.

રાજસ્થાનથી ટ્રેનિંગ અને ગૂગલની મદદથી બનાવતો ડ્રગ્સ

સમગ્ર ઓપરેશન અને આરોપીની મોડસ ઓપરેન્ડી અંગે DCP શિવમ વર્માએ આપેલી માહિતી મુજબ NCB અને સરખેજ પોલીસના જોઈન્ટ ઓપરેશનમાં બહાર આવ્યું છે કે સરખેજના લબ્બેક પાર્કના મકાનના ભોંયરામાં લેબ બનાવીને આ ડ્રગ્સની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. આરોપી મુદ્દસર પઠાણ ખાસ રાજસ્થાનથી ડ્રગ્સ બનાવવાની ટ્રેનિંગ લઈને આવ્યો હતો અને ત્યારબાદ ગૂગલ મારફતે એમ.ડી. (MD) ડ્રગ્સ બનાવવા માટે છેલ્લા એક વર્ષથી સતત પ્રયાસ કરી રહ્યો હતો.

અંકલેશ્વર, અમદાવાદ અને રતલામથી રો મટીરિયલ

ડ્રગ્સના ઉત્પાદન માટે જરૂરી રો મટીરિયલ અંકલેશ્વર, અમદાવાદ અને રતલામથી લાવવામાં આવ્યું હતું. દરોડા દરમિયાન ઘરમાંથી બ્રોમિન સહિતના 20 જેટલા કેમિકલ જપ્ત કરવામાં આવ્યા છે.આરોપી મુદ્દસર પોતે પણ ડ્રગ્સનો નશો કરે છે અને પોલીસ સમક્ષ એવું રટણ કરી રહ્યો છે કે તેણે પોતાના નશા માટે આ ફેક્ટરી ઊભી કરી હતી. જોકે, સ્થળ પરથી મોટી માત્રામાં કેમિકલનો જથ્થો મળી આવ્યો હોવાથી આ ડ્રગ્સ વેચાણ માટે બનાવવામાં આવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.ઝડપાયેલા આરોપી મુદ્દસર પઠાણ વિરુદ્ધ અગાઉ પણ સરખેજ પોલીસ સ્ટેશનમાં મારામારી, રિક્ષા સળગાવવી, હત્યાનો પ્રયાસ અને આર્મ્સ એક્ટ સહિતના કુલ 4 જેટલા ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે.

રતલામ કેફેમાં NCBનું સર્ચ ઓપરેશન

આ ડ્રગ્સ પ્રકરણના તાર 'રતલામ કેફે' સુધી પહોંચતા NCBની ટીમ દ્વારા રતલામ કેફેમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન NCBએ કેફેમાં કામ કરતા દેવરામ નામના કર્મચારીની પૂછપરછ કરી હતી. કર્મચારી દેવરામે 'સંદેશ ન્યૂઝ' પર નિવેદન આપતા ચોંકાવનારી વિગતો જણાવી હતી કે આ કેફે રાત્રિના 2 થી 3 વાગ્યા સુધી ચાલુ રહે છે.આરોપી મુદત્સીર (મુદ્દસર) રોજ રાત્રે આ કેફે પર આવે છે અને રાત્રિના સમયે આખું કેફે તે જ સંભાળે છે.

આ પણ વાંચો:Ahmedabad: ચાંદખેડા ભાજપમાં આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો; વોર્ડ અને SC મોરચાનું અલગ-અલગ સ્નેહમિલન