અમદાવાદના સરખેજ વિસ્તારમાં ઝડપાયેલી એમડી (MD) ડ્રગ્સ બનાવવાની મીની ફેક્ટરીના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની તપાસમાં એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. સરખેજની લેબેક પાર્ક સોસાયટીના બંગલાના ભોંયરામાંથી ઝડપાયેલી ડ્રગ્સ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવા માટે વપરાતું પ્રતિબંધિત કેમિકલ સપ્લાય કરનાર GTUના કેમિકલ એન્જિનિયરિંગના PhD સ્ટુડન્ટ હર્ષિલ પરીખની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી છે

સરખેજ એમડી ડ્રગ્સ કેસમાં મોટો વળાંક

NCBની અમદાવાદ ઝોનલ ઓફિસના ઈન્ટેલિજન્સ અધિકારીઓની તપાસમાં અમરાઈવાડી વિસ્તારમાં રહેતા હર્ષિલ પરીખનું નામ સામે આવ્યું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર: હર્ષિલ પરીખ GTUમાં કેમિકલ એન્જિનિયરિંગનો સ્ટુડન્ટ છે અને હાલમાં PhD કરી રહ્યો છે.હર્ષિલની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી સરખેજ ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી મુદસર પઠાણે એક-બે વાર તેને નાણાકીય મદદ કરી હતી.ખરાબ પરિસ્થિતિમાં મુદસરે મદદ કરી હોવાથી અને હર્ષિલ પોતે કેમિકલ અંગેની સારી જાણકારી ધરાવતો હોવાથી તે પ્રતિબંધિત કેમિકલની ખરીદી કરીને મુદસર પઠાણને પહોંચાડતો હતો.NCBએ હર્ષિલ પરીખની સાથે પ્રતાપગઢ જિલ્લાના અખ્તર અને જુનેદની પણ ધરપકડ કરી લીધી છે.

કેમિકલ કંપનીઓના વપરાશના ડેટાનું ક્રોસ વેરિફિકેશન શરૂ

આ કેસમાં ચોથા આરોપી તરીકે ઝડપાયેલા હર્ષિલ પરીખની પૂછપરછ બાદ NCBએ તપાસનો વ્યાપ વધાર્યો છે.NDPS એક્ટ હેઠળ આવરી લેવાતા કેમિકલ બનાવતી કંપનીઓના વપરાશના ડેટાનું ક્રોસ વેરિફિકેશન શરૂ કરી દેવાયું છે. ગુજરાતના હાઈવે ઉપર પ્રતિબંધિત કેમિકલની ચોરીમાં કોણ-કોણ સામેલ છે તેવા આરોપીઓનો ડેટા તૈયાર કરાયો છે.હર્ષિલ કોની પાસેથી કેમિકલ લાવતો હતો, અત્યાર સુધીમાં કેટલીવાર ખરીદ્યું અને બીજા કોને સપ્લાય કર્યું તેની તપાસ ચાલી રહી છે, તેમજ આ પ્રકારના કેમિકલનો ઉપયોગ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં પણ થઈ રહ્યો હોવાની શક્યતાના પગલે તે દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: Ahmedabad: શહેરના અનેક વિસ્તારોમાં AQI હાઈ થતાં શ્વાસ લેવો મુશ્કેલ, લાખો રૂપિયાના ખર્ચ છતાં હવા શુદ્ધ કરવામાં તંત્ર નિષ્ફળ