અમદાવાદમાં ટ્રાફિક સમસ્યાને ધ્યાને રાખીને અમદાવાદ શહેર શિક્ષણાધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો છે. સ્કૂલમાં આવતા વિદ્યાર્થીઓ વાહનો લઈને આવે છે અને બેફામ પણે વાહન ચલાવતા હોવાના કિસ્સા અનેકવાર સામે આવી ચૂક્યા છે. જેના કારણે અકસ્માત અને ગંભીર ઈજાઓની ઘટનાઓ પણ બનતી હોય છે. જેથી શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કરીને શાળા સંચાલકો અને શાળાના આચાર્યને એક પરિપત્ર દ્વારા ટ્રાફિક નિયમન અંગે સૂચનાઓ આપી છે.

7 દિવસમાં શાળાઓમાં ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમો યોજાશે
અમદાવાદ શહેર (પૂર્વ) જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા માર્ગ સલામતી અને ટ્રાફિક જાગૃતિ અંગે એક અગત્યનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.તાજેતરમાં વિદ્યાર્થીઓ દ્વારા લાયસન્સ અને હેલમેટ વગર, ઓવરસ્પીડમાં વાહન ચલાવવા અને ટ્રાફિક નિયમોના ભંગના બનાવો ધ્યાન પર આવતા આ નિર્ણય લેવાયો છે.શાળા કક્ષાએ આગામી 7 દિવસમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજીને 18 વર્ષથી નાની વયના કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ન ધરાવતા વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનું વાહન ચલાવવાની મંજૂરી ન આપવા માટે વાલીઓને લેખિત, વોટ્સએપ કે એસએમએસ દ્વારા સ્પષ્ટ જાણ કરવા કડક સૂચના આપવામાં આવી છે.

નિયમભંગ પર વાલીઓને તાત્કાલિક જાણ કરવા આદેશ
આ પરિપત્રમાં મોટર વાહન અધિનિયમનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું છે કે સગીર વયના બાળકો વાહન ચલાવશે તો તેના માલિક કે વાલી સામે દંડ અને કાર્યવાહી કરવામાં આવશે.શાળા પરિસરમાં પણ લાયસન્સ કે હેલમેટ વગર આવતા વિદ્યાર્થીઓના વાહનોને પ્રવેશ આપવામાં આવશે નહીં અને વાલીઓને બોલાવીને જરૂરી સમજ આપવામાં આવશે.આ ઉપરાંત RTO વિભાગ અને ટ્રાફિક પોલીસના સંકલનથી સમયાંતરે શાળાઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.જો કોઈ વિદ્યાર્થી નિયમોનો ભંગ કરતો જણાશે તો તેની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચોઃ Patan : રાધનપુરમાં DySP કચેરીના ASI પર કચ્છના પોલીસ કોન્સ્ટેબલે કર્યો જીવલેણ હુમલો, ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ