અમદાવાદ જેવા શહેરમાં 14 વર્ષ કે તેથી વધુ વયના ગરીબ બાળકોને માધ્યમિક શિક્ષણ પુરુ પાડવાના હેતુથી અલગ અલગ વિસ્તારમાં પાંચ માધ્યમિક શાળાઓ ચલાવાઈ રહી છે.રાજય સરકાર તરફથી મળતી રૂપિયા ચાર કરોડની ગ્રાન્ટ સાથે ચાલતી આ શાળાઓમાં ચિંતાજનક રીતે વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાની સાથે વર્ગખંડમાં સરેરાશ 25થી 34 ટકા જ હાજરી હોવાનો ઘટસ્ફોટ અમદાવાદ મનપાના જ એક અહેવાલમાં ઘટસ્ફોટ થયો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ ચિંતાજનક પરિસ્થિતિ
આ અહેવાલ પ્રમાણે એક વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂપિયા 36 હજારની રકમનો ખર્ચ કરાઈ રહ્યો છે.સરકારની ગ્રાન્ટ ઉપરાંત કોર્પોરેશનના ફાળા સાથે વિદ્યાર્થીઓને માધ્યમિક શિક્ષણ આપવાના પ્રયાસ છતાં વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગ ખંડમાં હાજરી આપવાનુ ટાળી રહ્યા છે.શહેરના રખિયાલ. અસારવા,બાપુનગર ઉપરાંત મણિનગર તેમજ જમાલપુર વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલ સહિત કુલ 5 માધ્યમિક શાળાઓના પરિણામ અને વિદ્યાર્થીઓની હાજરીને લઈ અહેવાલમાં અપાયેલી વિગતો વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈ ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવી રહી છે.













