અમદાવાદના જમાલપુર, ગોમતીપુર, અસારવા સહિતના વિસ્તારોમાં AMCના કર્મચારીઓ માટે બનાવાયેલા સરકારી ક્વાર્ટર આજે વિકાસના નહીં,પરંતુ વેરાનગતિના પ્રતીક બની ગયા છે.50થી 60 વર્ષ જૂના આ આવાસો વર્ષોથી રિડેવલપમેન્ટની રાહ જોઈ રહ્યા છે.2016થી નવી યોજનાઓના વાયદા થઈ રહ્યા છે.પરંતુ હકીકતમાં લોકો હજુ પણ ખંડેર જેવા મકાનોમાં જીવવા મજબૂર છે.ચોમાસું માથે છે અને મકાનોની હાલત એવી છે કે દીવાલો ખખડી રહી છે.


દીવાલોમાંથી સળિયા બહાર દેખાઈ રહ્યા છે

અમદાવાદના જમાલપુરમાં આવેલી સરદાર હેલ્થ ક્વાર્ટરના 50થી 60 વર્ષ જૂના આ આવાસોની દીવાલોમાંથી સળિયા બહાર દેખાઈ રહ્યા છે.છતના પોપડા સતત પડી રહ્યા છે.ચોમાસું આવે એટલે ઘરની અંદર જ વરસાદ વરસતો હોવાની ફરિયાદો ઉઠી રહી છે.વર્ષ 2016થી આ ક્વાર્ટરોના રિડેવલપમેન્ટની ચર્ચા થઈ રહી છે.અનેક વખત જાહેરાતો થઈ, યોજનાઓ ઘડાઈ, પરંતુ જમીન પર પરિણામ હજુ પણ શૂન્ય છે.સરકાર અને તંત્રના વાયદાઓની સ્થિતિ એવી થઈ ગઈ છે કે તારીખ પર તારીખ મળે છે પરંતુ મકાન નથી મળતું. 

માત્ર મકાન જ નહીં પરંતુ સલામતી પણ જોખમમાં

સ્થાનિકોનું કહેવું છે કે માત્ર મકાન જ નહીં પરંતુ સલામતી પણ જોખમમાં છે. દરેક ચોમાસું આવે ત્યારે પરિવારના સભ્યોને ડર રહે છે કે ક્યાંક છતનો ભાગ તૂટી ન પડે.ક્યાંક દીવાલ ખસી ન જાય. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે આ ક્વાર્ટરો એક એવો સવાલ ઉભો કરે છે કે વિકાસના પોસ્ટર પર ચમકતું શહેર અને જમીન પરનું શહેર એક જ છે કે અલગ અલગ પણ આ છે તો હેલ્થ સ્ટાફ ક્વાર્ટર પરંતુ આ ક્વાર્ટરની જ હાલત વેન્ટિલેટરમાં રહેલા દર્દી જેવી થઈ ગઈ છે. 

નવા આવાસોના નિર્માણ માટે સૂચનાઓ આપી દેવાઈ

જો કે AMC સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલનું કહેવું છે કે રાજ્ય સરકાર તરફથી નવા આવાસોના નિર્માણ માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે.માત્ર હાલના ક્વાર્ટરધારકોને જ નહીં,પરંતુ ક્વાર્ટરના પ્લોટ વિસ્તારમાં વર્ષોથી વસવાટ કરતા ઝૂંપડાધારકોને પણ નવા મકાનો ફાળવવાનું આયોજન છે. ઉલ્લેખનીય છે કે, એક તરફ અમદાવાદને આધુનિક અને વિશ્વસ્તરીય શહેર બનાવવાના દાવા થઈ રહ્યા છે. બીજી તરફ શહેરના જ કર્મચારીઓના ક્વાર્ટરો ખંડેરમાં ફેરવાઈ રહ્યા છે. વિકાસની વાતો ત્યારે જ અર્થપૂર્ણ બનશે જ્યારે લોકોના માથા પર સલામત છત હશે. 


આ પણ વાંચોઃ Ahmedabad News: બાવળા બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનમાં એક યુવકનું મોત


  • Follow us on: