અમદાવાદ શહેરમાં ગ્રીન કવર વધારવાના દાવાઓ વચ્ચે વનસ્પતિ અને પર્યાવરણ પ્રેમીઓને આંચકો આપતી એક ઘટના સામે આવી છે. એસ.જી. હાઈવે પર આવેલી જાણીતી રાજપથ ક્લબના ગેટ પાસે ફૂટપાથ પર આવેલા લીમડા સહિત ત્રણ કિંમતી વૃક્ષોને કોઈપણ મંજૂરી વગર જડમૂળથી કાપી નાખવામાં આવ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આ કૃત્ય 'વિશ્વ પર્યાવરણ દિવસ'ની ઉજવણીના બીજા જ દિવસે આચરવામાં આવતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મંજૂરી વગર ફૂટપાથ પરના લીમડાને આખો કાપી નાખવામાં આવ્યો

મળતી વિગતો મુજબ, રાજપથ ક્લબના મુખ્ય ગેટ નજીક ફૂટપાથ પર વર્ષો જૂના અને ઘટાદાર વૃક્ષો આવેલા હતા, જે રાહદારીઓને છાંયડો આપતા હતા. જોકે, કેટલાક અજ્ઞાત તત્વો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી લીધા વિના જ અહીં કુહાડી ફેરવી દેવામાં આવી હતી. લીમડાના એક મોટા વૃક્ષ સહિત અન્ય બે ઝાડને પણ નિર્મમતાપૂર્વક કાપીને રસ્તો સાફ કરી દેવાયો હતો.

પર્યાવરણ દિવસના બીજા જ દિવસે ઘટના; AMC દ્વારા તપાસ શરૂ

ગઈકાલે જ આખા દેશ અને રાજ્યમાં પર્યાવરણ બચાવવાના મોટા-મોટા શપથ લેવામાં આવ્યા હતા, ત્યારે તેના બીજા જ દિવસે બનેલી આ ઘટનાએ તંત્રની ઊંઘ ઉડાડી દીધી છે. આ મારે સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે વિરોધ ઉઠતા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની ટીમ હરકતમાં આવી છે. એએમસીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે કોર્પોરેશનની મંજૂરી વગર લીલાછમ વૃક્ષોનું નિકંદન કાઢનારા જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની તંત્ર દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: