અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને ચકચાર મચી ગઈ છે. સરખેજના ફતેવાડી વિસ્તારમાં આવેલા એક ઘરમાંથી એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી.



પોલીસે સમગ્ર વિસ્તાર કોર્ડન કર્યો, એફએસએલની મદદ લેવાશે

બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરખેજ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે (ફતેવાડી) દોડી ગયો હતો. પોલીસે ગુના વાળી જગ્યા પર પુરાવાઓ સાથે કોઈ છેડછાડ ન થાય તે માટે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક યુવતીનું નામ 'સીમા' છે. આ ઘટના હત્યા છે, આત્મહત્યા છે કે અન્ય કોઈ કારણોસર મોત થયું છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડાયો, મોતનું કારણ અકબંધ

સ્થળ પર જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ સરખેજ પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો છે. આ શંકાસ્પદ મોત પાછળનું સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.


સરખેજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

હાલમાં આ મામલે સરખેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આસપાસના લોકો અને યુવતીના પરિવારજનોની પૂછપરછ શરૂ કરી છે. બંધ ઘરમાંથી યુવતીનો મૃતદેહ મળવા પાછળ કોઈ પ્રેમ પ્રકરણ, કૌટુંબિક ઝઘડો કે અન્ય કોઈ રહસ્ય છુપાયેલું છે કે કેમ, તે અંગે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર, અમદાવાદના કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP


  • Follow us on: