અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે શહેરના એક વિસ્તારમાં મોટી ડિમોલિશન ડ્રાઈવ ચલાવીને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. સાબરમતી વિસ્તારમાં આસારામ આશ્રમની નજીક આવેલા શિવનગરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ મામલે અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરીને સમગ્ર પરિસ્થિતિ અને તંત્રની કાર્યવાહી અંગે વિગતો આપવામાં આવી છે.
શું છે સમગ્ર વિવાદ?
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું કે, આસારામ આશ્રમની બાજુમાં આવેલા શિવનગરમાં કુલ 37 આવાસો આવેલા છે. જે તે સમયે આ રહીશોને સરકાર તરફથી 50 ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણી વખતે શરત રાખવામાં આવી હતી કે, ફાળવેલી જગ્યામાંથી 1/4 ભાગ ખુલ્લો રાખવાનો રહેશે અને માત્ર 3/4 ભાગમાં જ બાંધકામ કરવાનું રહેશે, પરંતુ રહીશોએ આ શરતનો ભંગ કરીને 50 ચોરસ મીટર કરતા પણ વધુ વિસ્તારમાં અને સંપૂર્ણ જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ કરી લીધું હતું.
કોર્ટે અરજી ફગાવી, તંત્રએ બુલડોઝર ફેરવ્યું
આ શરતભંગ અને ગેરકાયદેસર બાંધકામ અંગે તંત્ર દ્વારા અગાઉ રહીશોને નોટિસ પાઠવવામાં આવી હતી. તંત્રની નોટિસ સામે શિવનગરના રહેવાસીઓ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે, કોર્ટે રહીશોની આ અરજીને ગ્રાહ્ય રાખી ન હતી અને કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, તંત્ર 50 ચોરસ મીટરથી વધારાનું જે પણ બાંધકામ છે તેને દૂર કરી શકે છે. કોર્ટના આ આદેશ બાદ આજે કોર્પોરેશનની ટીમ દ્વારા શિવનગરમાં પહોંચીને આ વધારાનું તમામ દબાણ દૂર કરવાની કડક કામગીરી કરવામાં આવી હતી.
સરકારને જગ્યાની જરૂરિયાત, રહીશોને મળશે નવી જગ્યા
DyMCએ વધુમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સરકારને હાલ આ જગ્યાની ખાસ જરૂરિયાત ઊભી થઈ છે, જેના કારણે હાલના આ મકાનો ખાલી કરાવવા માટેનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, તંત્ર દ્વારા માનવતાવાદી અભિગમ પણ દાખવવામાં આવ્યો છે. જે સભ્યોના આવાસો તોડવામાં આવ્યા છે, તે તમામ સભ્યોને હાલની 50 ચોરસ મીટરની જગ્યા સામે ભવિષ્યમાં 61 ચોરસ મીટરની નવી અને મોટી જગ્યાની ફાળવણી કરવામાં આવશે.
આ પણ વાંચો - Ahmedabad: ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર, અમદાવાદના કમિશનર જી.એસ. મલિક બન્યા રાજ્યના નવા કાયમી DGP