અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલા જુના ગામતળમાં ગેરકાયદે મકાનો પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હાથ ધરવામાં આવેલા બુલડોઝર એક્શન દરમિયાન એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. તંત્રની આ કામગીરીનો સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો હતો, તે દરમિયાન પોલીસ અને કાયદાકીય કાર્યવાહીથી નારાજ થઈને એક સ્થાનિક મહિલાએ ઝેરી ફિનાઈલ ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાને પગલે ડિમોલિશન સાઇટ પર ભારે અફરાતફરી અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો હતો.


મહિલાએ ફિનાઈલ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ, મોટેરા ગામતળમાં વર્ષો જૂના બાંધકામો અને સાધકોના મકાનો તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક પરિવારો તંત્ર સામે આક્રોશ ઠાલવી રહ્યા હતા. વહીવટી કામગીરીમાં અવરોધ ઊભો થતો અટકાવવા માટે પોલીસે વિરોધ કરી રહેલા કેટલાક પુરુષોની અટકાયત કરી હતી. આ દરમિયાન એક સ્થાનિક વ્યક્તિની પોલીસે ધરપકડ કરતાં તેની પત્ની આઘાતમાં સરી પડી હતી. પતિની અટકાયતથી રોષે ભરાયેલી અને ઘર તૂટવાના ડરથી વ્યાકુળ બનેલી નીતા નામની આ મહિલાએ તુરંત જ ત્યાં પડેલું ફિનાઈલ પી લીધું હતું.

પતિની અટકાયત થતા આ પગલું ભર્યું

મહિલાએ ફિનાઈલ પીતા જ તેની તબિયત લથડી હતી અને તે ઢળી પડી હતી. ત્યાં હાજર પોલીસકર્મીઓ અને અન્ય સ્થાનિક લોકોએ તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નીતાબેનને સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તબીબો દ્વારા તેમની કટોકટીની સારવાર શરૂ કરવામાં આવી છે. અગાઉ પણ સ્થાનિકોએ તંત્રને આત્મવિલોપનની ચીમકી આપી હતી, અને આજે આ ઘટના ઘટતાં મોટેરા પંથકમાં ભારે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની બાકીની પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Gandhinagar: ચોમાસા પહેલા ગુજરાતમાં પડશે આકરી ગરમી, જાણો જૂનની કઈ તારીખથી ધમાકેદાર વરસાદની થશે એન્ટ્રી

  • Follow us on: