ગુજરાતમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજી ચોમાસા પૂર્વે આકરી ગરમીનો સામનો કરવો પડશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો વરસાદ ન આવવાના કારણે આગામી દિવસોમાં તાપમાનનો પારો ઊંચકાશે. જોકે, રાહતના સમાચાર એ છે કે જૂન મહિનાના અંત સુધીમાં ગુજરાતમાં વિધિવત ચોમાસાની એન્ટ્રી થઈ જશે અને જુલાઈમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરશે.

લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડશે

અંબાલાલ પટેલની આગાહી મુજબ, 8 જૂનની આસપાસ દરિયામાં પવનો બદલાશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે, જ્યારે લઘુત્તમ તાપમાન ૨૭ થી ૩૦ ડિગ્રી રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં તાપમાન 35 ડિગ્રી આસપાસ, જામનગરમાં 35-36 ડિગ્રી અને દ્વારકા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 33 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. 16 જૂન સુધી દરિયા કિનારાના ભાગોમાં ઓછો વરસાદ જોવા મળી શકે છે.

ગુજરાતમાં ક્યારે આવશે ચોમાસું?

ચોમાસાની સિસ્ટમ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે, કેરળ કાંઠે પહોંચેલું ચોમાસું 10-11 જૂન આસપાસ આગળ વધીને મુંબઈ સુધી પહોંચશે. ત્યારબાદ 20 થી 28 જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસી જવાની પૂરેપૂરી શક્યતા છે. બંગાળની ખાડીમાં 16 થી 22 જૂન વચ્ચે લો-પ્રેશર સક્રિય થશે અને 22 જૂને અરબ સાગરમાં પણ નવી સિસ્ટમ બનશે. 7 જુલાઈથી રાજ્યમાં સાર્વત્રિક સારો વરસાદ શરૂ થશે. આ વર્ષે જુલાઈથી લઈને ઓક્ટોબર સુધી વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેથી ચોમાસું લાંબુ ચાલશે. રાજ્યમાં આ વર્ષે 86% થી 90% જેટલો સારો વરસાદ પડવાની આશા છે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ રહેશે.

આ પણ વાંચો:  Valsad: વાપીના ડુંગરા વિસ્તારમાં છેડતીના આરોપસર બે શખ્સોએ યુવકને ડંડા વડે ઢોર માર માર્યો