વલસાડ જિલ્લાના ઔદ્યોગિક હબ ગણાતા વાપીના ડુંગરા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં સરેઆમ રસ્તા પર એક યુવકને બે શખ્સો દ્વારા નિર્દયતાપૂર્વક લોખંડ કે લાકડીના ડંડા વડે ફટકારીને ‘તાલિબાની સજા’ આપવામાં આવી છે. ધોળા દિવસે જાહેરમાં બનેલી આ હિંસક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ચકચાર મચી ગઈ છે અને પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે.


વાપીના ડુંગરા વિસ્તારમાં યુવકને માર માર્યો

સ્થાનિક સ્તરે ચાલતી ચર્ચાઓ અને સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, ભોગ બનનાર યુવકે કોઈ યુવતી કે મહિલાની છેડતી કરી હોવાનો આક્ષેપ હતો. આ છેડતીના આરોપનો બદલો લેવા અથવા પાઠ ભણાવવાના આશયથી બે શખ્સોએ કાયદો પોતાના હાથમાં લીધો હતો. તેમણે યુવકને રસ્તાની વચ્ચે આંતરીને તેના પર હિચકારો હુમલો કરી દીધો હતો. લુખ્ખા તત્વોએ કોઈ પણ પ્રકારના ડર વગર યુવકને જાહેરમાં ડંડા વડે બેરહેમીથી ઢોર માર માર્યો હતો અને લોકો જોતા રહ્યા હતા.

પોલીસે શખ્સોની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી

આ સમગ્ર ક્રૂરતાનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હવે સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થતાં જ સફાળી જાગેલી ડુંગરા પોલીસે આ મામલે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે વીડિયોના આધારે માર મારનારા બંને શખ્સોની ઓળખ મેળવવા અને ભોગ બનનાર યુવકની ભાળ મેળવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે, ગુનો ગમે તે હોય પણ કોઈને કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને આ કેસમાં કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો: Halvad: રણછોડગઢમાં આક્રંદ વચ્ચે એકસાથે 5 અર્થીઓ ઉઠી, તાલુકા પંચાયત સદસ્ય સહિત 5 યુવાનોના મોત

  • Follow us on: