અમદાવાદના હાર્દ સમાન અને હંમેશા ટ્રાફિકથી ધમધમતા આશ્રમ રોડ પરથી એક આગની મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના આશ્રમ રોડ પર સ્થિત જાણીતા દેવનંદન મેગા મોલમાં આવેલી એક હોટલમાં અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. જોકે, ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.



મોલની હોટલ ટ્રેઝર ડાઇનમાં સર્જાયો અકસ્માત

ઘટનાની મળતી વિગતો અનુસાર, આશ્રમ રોડ પર આવેલા દેવનંદન મેગા મોલની અંદર કાર્યરત 'હોટલ ટ્રેઝર ડાઇન'માં આ આગનો અકસ્માત સર્જાયો હતો. હોટલમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને મોલમાં હાજર લોકો અને સ્ટાફ જીવ બચાવવા માટે બહાર દોડી આવ્યા હતા. આગના કારણે થોડીવાર માટે આશ્રમ રોડ પર ટ્રાફિક જામ અને હોબાળા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.


ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે, મોટી જાનહાનિ ટળી

આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. બાતમી મળતા જ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 8 ફાયર ટેન્ડરોનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ હોટલમાં લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.


આગનું કારણ હજુ અકબંધ

હોટલ ટ્રેઝર ડાઇનમાં આ આગ કયા કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે બહાર આવ્યું નથી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા કિચન ગેસના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો - વાંચો 7 જૂનના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે


  • Follow us on: