દેશ અને રાજ્યભરમાં 7 જૂનના રોજ અનેક મહત્વની રાજકીય, શૈક્ષણિક, સામાજિક અને વહીવટી ઘટનાઓ આકાર લેવા જઈ રહી છે. રવિવાર, 7 જૂનના રોજ કઈ-કઈ મોટી ગતિવિધિઓ પર નજર રહેશે.
મુખ્યમંત્રી નિવાસસ્થાને હાઈવોલ્ટેજ બેઠક
7 જૂનના રોજ સવારે 10 વાગ્યે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નિવાસસ્થાને એક મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ સંગઠનમાંથી જગદીશ વિશ્વકર્મા, રાજ્યસભાના ચારેય ઉમેદવારો સહિત તમામ મંત્રીઓ અને ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
Also Read
કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલનો નવસારીના પ્રવાસ
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ 7 જૂને નવસારીની મુલાકાતે આવશે. તેઓ નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખના અભિવાદન સમારોહમાં હાજરી આપશે અને બીલીમોરા સ્થિત નવનાથ આશ્રમના ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશે. તેમની સાથે સાંસદ ધવલ પટેલ અને કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ જોડાશે.
સુરત મનપાની બેદરકારી
સુરતમાં કોર્પોરેશનની નાક નીચે કોઈ અજાણ્યા તત્વો ડિમોલિશન કરી ગયા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેનાથી તંત્ર અજાણ છે. આ મામલે 7 જૂનના રોજ મનપાના અધિકારીઓ સ્થળ પર સર્વે કરવા પહોંચશે.
ઓલપાડમાં ભટગામ પિયત મંડળીની રજત જયંતી
ઓલપાડ તાલુકાની ભટગામ પાણી સહકારી મંડળીના 25 વર્ષ પૂર્ણ થતા 7 જૂને ભવ્ય ઉજવણી કરાશે. 300 ખેડૂતોની આ સફળ મંડળીની ઉજવણીમાં સ્થાનિક ધારાસભ્ય અને સહકારી અગ્રણીઓ ભાગ લેશે.
મોડાસા નાગરિક સહકારી બેન્કની ચૂંટણી
અરવલ્લીના મોડાસામાં નાગરિક સહકારી બેન્કની બોર્ડ ઓફ ડિરેક્ટરની 15 બેઠકો માટે 7 જૂને મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 'પરિવર્તન પેનલ' અને 'વિકાસ પેનલ' વચ્ચે ખરાખરીનો જંગ જામશે.
જામ ખંભાળિયામાં 6 કલાકનો વીજકાપ
પીજીવીસીએલ (PGVCL) દ્વારા સમારકામ માટે 7 જૂને સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી જડેશ્વર રોડ, સ્ટેશન રોડ, નવાપરા અને યોગેશ્વર નગર સહિતના વિસ્તારોમાં પાવર સપ્લાય બંધ રાખવામાં આવશે.
UPSC અને GPSC પરીક્ષા
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા 268 જગ્યાઓ માટે પ્રિલિમનરી પરીક્ષાનું આયોજન 7 જૂને સવારે 11 વાગ્યાથી કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં દિવ્યાંગ ઉમેદવારો પણ ભાગ લેશે. સુરત શહેરમાં આ પરીક્ષા માટે ખાસ તૈયારીઓ કરાઈ છે, જ્યાં 7,103 ઉમેદવારો માટે 30 શાળાઓમાં 296 બ્લોકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત 7 જૂને દેશભરમાં UPSCની પરીક્ષા પણ યોજાનાર છે.
દેશના 19 રાજ્યોમાં ભારે વાવાઝોડા-વરસાદનું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા 7 જૂનના રોજ દેશના 19 રાજ્યો (યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે) માં 85 કિમીની ઝડપે વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. પૂર્વીય રાજ્યોના 10 જિલ્લાઓમાં વીજળી પડવાની આશંકા પણ વ્યક્ત કરાઈ છે.
વિશ્વ સાયકલ દિવસની ઉજવણી
દિલ્હીના જવાહરલાલ નેહરુ સ્ટેડિયમમાં રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને વિક્રમ મેસી ‘ફિટ ઈન્ડિયા સન્ડેઝ ઓન સાયકલ’ના 77મા સંસ્કરણમાં ભાગ લેશે.
રક્ષામંત્રી રાજનાથસિંહનો સંવાદ કાર્યક્રમ
કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ 7 જૂને લખનઉના આલમબાગ સ્થિત જીપી હોટેલ ખાતે કેન્ટ મંડળ-1 ના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ સાધશે.
Anime India ફેસ્ટિવલ
એનિમે, ગેમિંગ અને પોપ કલ્ચરના શોખીનો માટે દિલ્હીના દ્વારકા સ્થિત યશોભૂમિ કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલા દેશના સૌથી મોટા ઉત્સવનો 7 જૂને અંતિમ દિવસ રહેશે.
આ પણ વાંચો - 6 જૂનના દિવસભરના 10 મહત્વના સમાચાર વાંચો એક ક્લિક પર













