અમદાવાદમાં દૂષિત પાણીની વધતી ફરિયાદો અને તેના કારણે રોગચાળાના કેસો સામે આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હરકતમાં આવ્યું છે. ખાસ કરીને ઘાટલોડિયા વિસ્તારમાં દૂષિત પાણીના કારણે લોકોમાં આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઉભી થવાની ફરિયાદો બાદ AMC દ્વારા ગંદા પાણીની ફરિયાદોના ઝડપી નિવારણ માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે.


આ અંગે AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં દૂષિત પાણી સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે સ્પષ્ટ માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે નાગરિકોની ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

AMCએ શહેરના 26 હાઈરિસ્ક વિસ્તારોની ઓળખ કરી

નવી SOP મુજબ જો કોઈ વિસ્તારમાં દૂષિત પાણી અંગે પાંચથી વધુ ફરિયાદો નોંધાશે તો સંબંધિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DYMC), હેલ્થ ઓફિસર અને અન્ય જવાબદાર અધિકારીઓ સ્થળની મુલાકાત લેશે. ફરિયાદ મળ્યા બાદ વધુમાં વધુ 6 કલાકની અંદર અધિકારીઓ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ કરવાની રહેશે. AMCએ શહેરના 26 હાઈરિસ્ક વિસ્તારોની ઓળખ કરી છે, જ્યાં સતત મોનીટરિંગ કરવામાં આવશે. આ વિસ્તારોમાં પાણીની ગુણવત્તા, પાણીની લાઈન અને સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિ પર વિશેષ નજર રાખવામાં આવશે. જરૂરિયાત મુજબ પાણીના નમૂનાઓની તપાસ અને તકેદારીના પગલાં પણ લેવામાં આવશે.

AMCના આ નિર્ણયથી દૂષિત પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને જણાવ્યું કે નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવું કોર્પોરેશનની પ્રાથમિકતા છે. તેથી ફરિયાદોના ઝડપી નિવારણ માટે તમામ વિભાગોને સંકલન સાથે કામગીરી કરવાની સૂચના આપવામાં આવી છે. AMCના આ નિર્ણયથી દૂષિત પાણીની સમસ્યાનો ઝડપી ઉકેલ આવશે અને રોગચાળાના ફેલાવાને રોકવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરવાસીઓને પણ કોઈ ફરિયાદ હોય તો તાત્કાલિક AMCને જાણ કરવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Vadodara: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર પાદરા નજીક મોડી રાત્રે અકસ્માત,4 લોકોના કરૂણ મોત



  • Follow us on: