દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર વડોદરાના પાદરા નજીક વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. પાદરાના સમયાલા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસવે પર મોડી રાત્રે એક ઇકો કાર, આઇસર ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે એટલો ભયાનક અકસ્માત સર્જાયો હતો કે વાહનોના ફુરચેફુરચા ઊડી ગયા હતા. આ ત્રિપાંખીયા અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 4 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો લોહીલુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

એક ભૂલ અને આખો પરિવાર હોમાયો

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ઇકો ગાડીમાં સવાર તમામ મુસાફરો પાદરા નજીક આવેલા અંપાડ ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ લોકો મોડી રાત્રે ઇકો ગાડી (જેમાં ૮ પેસેન્જર સવાર હતા) લઈને અમદાવાદ અને મહેસાણા બાજુ જવા માટે નીકળ્યા હતા. જો કે, એક્સપ્રેસવે પર ચડતી વખતે રૂટની અજાણતા અથવા ઉતાવળમાં ચાલકે ગાડી રોંગ સાઇડમાં ચડાવી દીધી હતી. હાઇસ્પીડ હાઇવે પર સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલી બસ અને આઇસર ટ્રક સાથે રોંગ સાઇડમાં જતી ઇકો કાર ધડાકાભેર અથડાઈ પડી હતી. રાત્રિના અંધકારમાં થયેલા આ ભયાનક અકસ્માતને પગલે હાઇવે પર ચીસાચીસ અને અરેરાટી વ્યાપી ગઈ હતી.

હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ, પરિવારોમાં શોક

ઘટનાની જાણ થતાં જ હાઇવે ઓથોરિટીની રેસ્ક્યુ ટીમ, 108 એમ્બ્યુલન્સ અને પાદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇકો કારના પતરા તોડીને અંદર ફસાયેલા મુસાફરો અને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ૫ લોકોને તાત્કાલિક વડોદરાની અલગ-અલગ સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તબીબોના જણાવ્યા અનુસાર તમામની હાલત અત્યંત નાજુક છે. મોડી રાત્રે બનેલી આ ઘટનાને પગલે પાદરાના અંપાડ ગામમાં માતમનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વાહનોને હાઇવે પરથી હટાવી ટ્રાફિક વ્યવસ્થિત કર્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: મોટેરામાં ડીમોલિશન બાદ વૈકલ્પિક વ્યવસ્થા વગર પરિવારો રસ્તા પર, રડતી આંખોએ જોયું પોતાનું ઘર તૂટતું