ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એક સમયે ભાજપના નેતા રહેલા શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાઈ ગયા હતાં. ત્યાર બાદ તેમણે કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપ્યું હતું અને પોતાની એક અલગ પાર્ટી સ્થાપી હતી. પરંતુ હવે શંકરસિંહ વાઘેલા ફરી વાર પંજાનો હાથ પકડે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસમાં જોડાશે. ગાંધીનગર મનપાની ચૂંટણી બાદ તેઓ પંજાને સમર્થન આપશે.
મોવડી મંડળ સાથે શંકરસિંહ વાઘેલાની વાટાઘાટો ચાલુ
તાજેતરમાં ગુજરાત કોંગ્રેસના નવા નિમાયેલા પ્રભારી રણદીપ સુરજેવાલા રાજ્યના પ્રવાસે આવ્યા હતાં. તેઓ આ દરમિયાન શંકરસિંહ વાઘેલાને મળ્યા હોવાની વિગતો સામે આવી છે. શંકરસિંહને ફરી કોંગ્રેસમાં લાવવા માટે સુરજેવાલાની મોટી ભૂમિકા હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસના સુત્રો એવું જણાવી રહ્યાં છે કે, ગાંધીનગર મનપાની ચૂંટણીમાં શંકરસિંહ વાઘેલાનું યોગદાન રહેલું છે. કોંગ્રેસના ઉમેદવારો લાવવામાં પણ તેમની ભૂમિકા હોવાનું કહેવાય છે. શંકરસિંહે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે પણ મુલાકાત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે શંકરસિંહ વાઘેલાની વાટાઘાટો ચાલુ છે.
