જ્યારે સમગ્ર રાજ્યમાં દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી થઈ રહી હતી, ત્યારે અમદાવાદની સરસપુરમાં આવેલી મ્યુનિસિપલ સંચાલિત શારદાબેન જનરલ હોસ્પિટલના ડૉક્ટરો પોતાના તહેવારો અને પરિવારને ભૂલીને દર્દીઓની સેવામાં ખડેપગે ફરજ નિભાવી રહ્યા હતા. બેસતા વર્ષની મોડી રાત્રે એક અત્યંત ગંભીર ઘટના સામે આવી, જેમાં પેટના ભાગે ગંભીર રીતે ચપ્પુ વાગેલા સ્થિતિમાં એક દર્દીને હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ઈજા એટલી ગંભીર હતી કે દર્દીના આંતરડા શરીરની બહાર આવી ગયા હતા અને તેનો જીવ અત્યંત જોખમમાં મુકાયો હતો.

3 કલાક ચાલેલી જટિલ સર્જરી બાદ દર્દીને મળ્યું નવજીવન

આવી વિકટ કટોકટીની પળે કોઈપણ પ્રકારના વિલંબ વિના શારદાબેન હોસ્પિટલના સર્જરી વિભાગની ટીમે અદભુત તબીબી કૌશલ્ય અને સમયસૂચકતાનો પરિચય આપ્યો હતો. મોડી રાત્રે 2 વાગ્યે શરૂ થયેલી આ અત્યંત જટિલ અને જીવદાયક સર્જરી તજજ્ઞ ડૉક્ટરો ડૉ. હેમંત લેઉવા, ડૉ. જૈનમ શાહ, ડૉ. લકીર પટેલ અને ડૉ. પૃથા જાદવ તથા હોનહાર રેસિડેન્ટ ડૉક્ટરો ડૉ. નચિકેત સખીયા, ડૉ. જય પટેલ અને ડૉ. સંયમ ભટ્ટ દ્વારા પાર પાડવામાં આવી હતી. અથાક મહેનત અને ઉત્તમ ટીમવર્કથી 3 કલાક ચાલેલા આ ઓપરેશન બાદ દર્દીને સફળતાપૂર્વક મોતના મુખમાંથી પાછો લાવવામાં આવ્યો હતો.

Shardaben Hospital Ahmedabad

તહેવારોમાં પણ 'સેવાધર્મ' અદા કરનાર ડૉક્ટરો બન્યા પ્રેરણાદાયક

જ્યાં સૌ કોઈ પોતાના પરિવાર સાથે તહેવાર ઉજવતા હોય છે, ત્યારે આ ડૉક્ટરોએ દિવસ-રાત જોયા વગર દર્દીની સારવારને પ્રાથમિકતા આપી હતી. તબીબી વ્યવસાયને માત્ર નોકરી નહીં પરંતુ સાચો 'સેવાધૂત ધર્મ' માનનાર આ તબીબોની નિષ્ઠા ખરેખર પ્રશંસનીય છે. હાલ સઘન સારવાર અને ઓબ્ઝર્વેશન હેઠળ દર્દીની તબિયત એકદમ સ્થિર અને સારી છે, જેણે પરિવારજનોમાં રાહતની લાગણી ફેલાવી છે.

આ પણ વાંચો : Viramgam News : 8 લાખ સામે ચૂકવ્યા 21.60 લાખ, છતાં ચાલુ હતી પઠાણી ઉઘરાણી, 5 શખ્સો સામે ગુનો દાખલ