અમદાવાદ શહેરમાં વધુ એક વખત પૂરપાટ ઝડપે દોડતા વાહને નિર્દોષ નાગરિકનો ભોગ લીધો છે. અમદાવાદ શહેરના શાસ્ત્રીનગર વિસ્તારમાં શુક્રવારે એક ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ જીવલેણ અકસ્માતમાં એક આશાસ્પદ યુવકે પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે, જેને પગલે સ્થાનિક વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.
ડીપીએસ સ્કૂલ બસના ચાલકે સર્જ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, આ અકસ્માત શાસ્ત્રીનગર વિસ્તારમાં આવેલા પ્રખ્યાત આનંદ ભાજીપાવ પાસે સર્જાયો હતો. જ્યાં દિલ્હી પબ્લિક સ્કૂલની એક બસના ચાલકે પોતાના કબ્જા હેઠળનું વાહન બેફામ ગતિએ હંકારીને એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. સ્કૂલ બસની ટક્કર એટલી પ્રચંડ હતી કે, ગંભીર ઈજાઓ થવાના કારણે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને ડ્રાઈવર બસ મૂકીને ફરાર
અકસ્માતની આ ઘટના બનતા જ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જાયા બાદ પકડાઈ જવાના ડરથી સ્કૂલ બસનો ડ્રાઈવર માનવતા ભૂલીને પોતાની બસને ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.
પોલીસે બસ ચાલકની શોધખોળ હાથ ધરી
ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ અકસ્માત સર્જનાર ડીપીએસ સ્કૂલ બસને કબ્જે કરીને ફરાર થઈ ગયેલા બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ અને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Gujarat Weather Update: આગામી 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા એલર્ટ, જુઓ Video