અમદાવાદના ઐતિહાસિક અને ધમધમતા એવા દરિયાપુર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે મોડી રાત્રે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરિયાપુરમાં આવેલા જાણીતા મનપસંદ જીમખાનામાં લાંબા સમયથી ચાલી રહેલા હાઈપ્રોફાઈલ જુગારધામ પર SMCની ટીમે અચાનક દરોડો પાડ્યો હતો. આ ત્રાટક રેડને પગલે જીમખાનામાં જુગાર રમી રહેલા તત્વોમાં ભારે ભાગદોડ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

180 થી વધુ જુગારીઓ અને મોટી રકમ ઝડપાઈ

પોલીસના પ્રાથમિક અહેવાલો મુજબ, આ દરોડા દરમિયાન ઘટનાસ્થળેથી 180 થી પણ વધુ જુગારીઓની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત, દરોડા દરમિયાન લાખો રૂપિયાની રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શહેરમાં એક જ સ્થળેથી આટલી મોટી સંખ્યામાં જુગારીઓ પકડાવાની આ તાજેતરની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ

સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને કરવામાં આવેલી આ સફળ રેડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી અને આગળની તપાસ તેજ બનાવી છે. આ જુગારધામ કોના દ્વારા ચલાવવામાં આવતું હતું અને તેમાં સ્થાનિક સ્તરે કોની છત્રછાયા હતી તે તમામ પાસાઓ પર SMCની ટીમ તપાસ કરી રહી છે, જેનાથી સ્થાનિક પોલીસતંત્રમાં પણ ખળભળાટ મચી ગયો છે.

આ પણ વાંચો : Suratમાં વેપારી આપઘાત કેસમાં પોલીસને મોટી સફળતા, 3 આરોપીઓની કરી ધરપકડ...