અમદાવાદ શહેરમાં નવરાત્રિનો તહેવાર પૂર્ણ થતાં જ રોગચાળાએ માથું ઊંચક્યું છે. હાલમાં અનુભવાઈ રહેલી મિશ્ર ઋતુ અને બદલાતા હવામાનની સીધી વિપરીત અસર લોકોના આરોગ્ય પર પડી રહી છે. બેવડી ઋતુના કારણે શહેરમાં ઘર-ઘર વાયરલ ઈન્ફેક્શન, તાવ, શરદી અને ઉધરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે, જેના લીધે હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

સોલા સિવિલમાં દર્દીઓનો જમાવડો, OPD નો આંકડો 13,606 ને પાર

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાંથી પ્રાપ્ત થયેલા તાજા આંકડા અનુસાર, તાજેતરમાં હોસ્પિટલની કુલ OPD 13,606 પર પહોંચી ગઈ છે. તબીબોના જણાવ્યા મુજબ, દરરોજ તાવ, ઉધરસ, શરદી અને વાયરલ ઈન્ફેક્શનના 100 થી વધુ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે. આ સિવાય બદલાતા હવામાનના કારણે બાળકો પણ ઝડપથી બીમાર પડી રહ્યા છે, જેથી પીડિયાટ્રિક (બાળકોની) OPD નો દૈનિક આંકડો પણ 100 ને પાર થઈ ગયો છે.

sola-civil-hospital

મચ્છરજન્ય અને વાયરલ રોગોમાં વધારો, ડેન્ગ્યુના 92 અને મેલેરિયાના 6 કેસ

સોલા સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ RMO ડૉ. કિરણ ગૌસ્વામીના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગચાળાના કેસો પણ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. હાલમાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 92 દર્દીઓ નોંધાયા છે, જ્યારે મેલેરિયાના 6 દર્દીઓ દાખલ છે. આ ઉપરાંત સ્વાઈન ફ્લૂના પણ 3 દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.


આ પણ વાંચો: Ahmedabad News : દર્દીઓની મુશ્કેલીઓનો આવશે અંત!, સોલા સિવિલમાં સારવાર ઝડપી બનાવવા કમિટીની રચના